પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મને વખત નથી : ૨૪૭
 

અમલદારો જેવી જ બની રહે છે. લોકોની અવરજવર ઓછી થાય તો તેમને દિવસ એળે જતો લાગે છે. ભગવાનદાસની હરીફાઈ કરવા તૈયાર થયેલા એક આગેવાનને ઘેર કોઈ પણ ઇસમ સલાહ લેવા ન જાય એવી સફળ યોજનાઓ ભગવાનદાસે કંઈક વાર કરી હતી.

બદલાયેલા સંજોગોમાં – એટલે કે સ્વરાજ્યમાં – ભગવાનદાસનું કામ હતું એના કરતાં બમણું થઈ ગયું. પ્રાન્તિક, જિલ્લા, નગર, ગ્રામ, પોળ, ચકલો, શેરી વગેરે સમિતિઓમાં ભગવાનદાસ તો હોય જ;ઉપરાંત પુસ્તકાલય, સહકારી મંડળી, યુનિયન, ખેડૂતમંડળ,વ્યાપારી મંડળ, તપાસસમિતિ વગેરેમાં તો તેમના વગર ચાલે જ નહિ. સિવાયકોઈસભામાં પ્રમુખ થવું પડે; ઈનામોના મેળાવડાઓમાં ઈનામો આપવાં પડે; અને પ્રધાનની વધી પડેલી અવરજવરમાં જતાં આવતાં અને વચમાં હાજરી આપવી પડે એ જુદું.

'ભાઈ, હવે ચોવીસ કલાક મને ઓછા પડે છે.' અઠવાડિયા પછી મને મળો.' જેવા જવાબોને ઘોળી પી જનાર જનતા સામે કદી કદી ઘરમાં ભગવાનદાસ હોવા છતાં 'નથી' એમ કહેવડાવવાની પણ તેમને જરૂર પડવા માંડી–અલબત્ત મારી હાજરીનો કશો જ વાંધો ન હતો. હું તો તેમના અતિકામનાં કદી કદી વર્ણનો આપી આજના નેતાઓની વધી પડેલી મુશ્કેલીઓ જનતા પાસે રજૂ કરી તેમનું મહત્વ વધાર્યો જતો હતો.

એક મહારુદ્રના સમારંભમાં તેમને બોલાવવા આવેલી મંડળીને – જેમાં એક સંન્યાસી અને તેના આશીર્વાદથી અત્યંત ધનિક બનેલા શેઠ હતા તેમને – ભગવાનદાસે કહ્યું : 'આપ આવ્યા છો એટલે પાંચ મિનિટ આવી જઈશ...પણ ખરેખર મને વખત નથી.' ત્યારે મને ભગવાનદાસનું કથન સાચું લાગ્યું.

વળી એક ખેતરમાં એક ટ્રેકટર ભગવાનદાસને હાથે ચલાવવાનું મુહૂર્ત આવી પહોંચતાં બહુ જ કંટાળાપૂર્વક સમયનો અભાવ દર્શાવ્યા છતાં મુહૂર્ત સાચવવા અને ટ્રેકટર ઉપર ઊભા રહી હસતે મુખે છબી