પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪ : કાંચન અને ગેરુ
 

વહાણને ઉપાડવા તત્પર હતા, પરંતુ વહાણનો માલિક એક પગથિયે ઊભો ઊભો વિકળતાભર્યો કોઈની રાહ જોતો હતો. એની પાસે જ એનો એક મિત્ર ઉતાવળ કરતો વાતચીતમાં પડ્યો હતો.

'બહુ મોડું થાય છે, લક્ષ્મીનંદન ! બીજાં વહાણો તો એ... આગળ ચાલી નીકળ્યાં.'

'શું કરું? કર્મકાણ્ડી જડસાઓનું કાંઈ ઠેકાણું છે? ચાર કંકુના છાંટા અને ચાર ફૂલ ગંગાજીને ચઢાવ્યા એટલે બસ. પણ હજી કોઈ આવ્યું નથી.' લક્ષ્મીનંદને કહ્યું.

‘પેલા બે વિદ્યાર્થીઓને પૂછી જોઈએ; તાજા ભણેલા લાગે છે. અરે ઓ બ્રહ્મકુમાર ! જરા આમ પધારો.'

બન્ને વિદ્યાર્થીઓ પાસે આવ્યા.

'તમારામાંથી કેાઈ ગંગાપૂજન કરાવશે ?'

'હા જી.'

'કેટલીવાર કરશો ?’

'જરા ય નહિ. સ્નાન સંધ્યા કરી લઈએ.' આનંદે કહ્યું.

'મને એટલો વખત નથી. બહુ જ ઝડપથી વહાણ ઉપાડવું છે...'

'જો ને, આનંદ ! સ્નાન કરીને તો આપણે નીકળ્યા છીએ. પૂજા કરાવી લઈએ; પછી નિરાંતે ગંગાસ્નાન કરીશું.' જયંતે કહ્યું.

'હા હા; તમે મને બહુ કામ લાગશો... અને પછી ક્યાં જશો?' લક્ષ્મીનંદને પૂછ્યું.

'નક્કી કાંઈ નથી. હમણાં જ ગુરૂઆશ્રમ છોડીને આવીએ છીએ.' પાસે પડેલા કંકુના પડિયા તથા પુષ્પને હાથમાં લેતાં જયંતે કહ્યું, અને ઝડપથી ગંગાપૂજન થઈ ગયું.

'આવવું છે મારી સાથે?' લક્ષ્મીનંદને જયંતને પૂછ્યું.

'આપ ક્યાં ક્યાં જશો?' જયંતે સામે પૂછ્યું.

'વ્યાપાર જ્યાં લઈ જાય ત્યાં, અત્યારે સાગરસંગમ સુધી; પછી સાગર પાર.'