પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬ : કાંચન અને ગેરુ
 

આપવું.'

'હું આપની સાથે આવવા તત્પર છું.’

'ભાઈ ! મારી પાસે વહાણ નથી; આ વાંસનો તરાપો છે.'

'મને ફાવશે.'

'આપણે હાથે હલેસાં મારવાનાં છે - કોઈ ખલાસી સાથમાં નથી.'

'હું શીખી લઈશ.'

'વૈભવ, વિલાસ કે સત્તા ઈચ્છતો હો તો આ તરાપામાં ન આવીશ. કોઈ વ્યાપારીના વહાણમાં જા.’

'વ્યાપારીના એક વહાણને તો મેં જતું કર્યું.'

'હજી બીજા ઘણાં આવશે.’

'આપની સાથે આવવામાં ભૂલ થઈ છે એમ લાગશે તો હું તરાપો છોડી દઈશ.'

'પછી મોડું થયું ને લાગે !'

'એમ લાગશે તો ય હું આપની સાથે જ આવીશ.'

તરાપામાં આનંદ બેઠો. એની સાથે સાધુઓ, આશ્રમવાસીઓ અને વિદ્યાવ્યાસંગીઓનો સમૂહ હતો. યાત્રાના સ્થળે તરાપો રોકાતો; એક સ્થળના વિદ્વાનો તપસ્વીઓ અને સાધુઓ સાથે સહુના વાર્તાલાપ થતા, અને તરાપો બીજે સ્થળે જઈ રોકાતો. તરાપામાં પણ ઠીકઠીક ચર્ચા થતી; કદી ભજનકીર્તન પણ થતાં અને એક દિવસ પૂરતું સાદુ અન્ન મળી રહે તો બીજા દિવસનો કોઈ વિચાર પણ કરતું નહિ. જનતાને જેમ મિષ્ટાન્નનો વિચાર ઉત્સાહ પ્રેરતો તેમ આ સમૂહને ઉપવાસનો વિચાર ઉત્સાહપ્રેરક બનતો.

આમ ને આમ વર્ષ વીત્યું. ગંગાસાગર છોડી આ તરાપો સમુદ્રમાં ઝૂકી ચૂક્યો હતો. કિનારે આવતાં નગરો, ગ્રામ અને નિવાસમાં ઊતરી આ સમૂહ ફરતો. લોકોમાં ભળતો. અને જ્યાં જ્યાં એ સમૂહ જતો ત્યાં ત્યાં જનતાનો પોશાક, જનતાનાં ખાણાંપીણાં, જનતાની ભાવના, અને જનતાનાં પૂજાવિધિ બદલાઈ જતાં. ટોળાંમાંથી