પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાંચન અને ગેરુ: ૨૫૭
 

કોઈ કોઈ માણસો ત્યાં જ રહી જતાં; કદી કદી કિનારાથી દૂર અંદર આવેલા પ્રદેશમાં પણ જતાં અને કેટલાક જતાં તે પાછી તરાપામાં આવતાં પણ નહિ. પ્રૌઢ પુરુષની નેતાગીરી સર્વમાન્ય હતી. કિનારે ઊતરતા શિષ્યોને તેઓ કહેતા : 'વત્સ ! ધ્યાનમાં રાખજો ! આપણે વસ્તુના વ્યાપારી નથી; જ્ઞાનના, સંસ્કારના વ્યાપારી છીએ. આપણે મિલક્ત ભેગી કરવાની નથી, પણ આપણે જે મિલક્ત હોય તે લૂંટાવવાની છે. જેટલું વાપરશો એટલું વધશે.'

આનંદનો પણ તરાપામાંથી ઊતરવાનો વારો આવ્યો, નેતાને– ગુરુને નમન કરી તે પણ પરદેશની જનતામાં અદૃશ્ય થઈ ગયો. એને પોતાના ગુરુનું એક વાક્ય બહુ ગમી ગયું હતું : 'જ્યાં જયાં આર્યો પગ મૂકે ત્યાં ત્યાં આર્યાવર્ત ઊભું થાય.'

પણ આર્યોના પગ એટલે? ગુરુએ સમજાવ્યું હતું કે પૂજવાને પાત્ર, સાચવી રાખવાને પાત્ર, જનતાને પ્રેરણા આપે એવા પગ તે આર્યોના. ભય, ભક્ષણ, શોષણ, ચૂસણ જ્યાં હોય ત્યાં આર્યોની આર્યતા વટલાઈ જાય. એવા પગ પૂજવા લાયક નહિ, કાપવા લાયક.

આર્યપગ લઈ આનંદ સમુદ્ર છોડી જમીન ઉપર ચાલ્યો. એ પ્રદેશે ભરતખંડ નહિ; ભરતખંડ બહારની એ ભૂમિ.

વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, પાંચ વર્ષ વીતી ગયાં. ગામડે ગામડે, ખેતરે ખેતરે, ઝૂંપડીએ ઝૂંપડીએ આનંદ ફરતો અને દીન, દરિદ્ર અને દુઃખી જનતામાં તે ધૈર્ય, ઉત્સાહ અને શાંતિ ફેલાવતો. ધનિકોને ત્યાં એનું સ્થાન ન હતું, પરંતુ ગરીબમાં તો એનો પગ પ્રભુના પગ સરખો આવકારપાત્ર બની જતો. માંદાની એ માવજત કરતો; અભણને એ શિક્ષણ આપતો; અને સુખ તથા દુઃખની સામાન્ય વ્યાખ્યાઓને સ્થાને એ એવી વ્યાખ્યા કરતો કે જેથી બાહ્ય દ્રષ્ટિએ સાધનરહિત દેખાતાં માનવીઓને ભરપૂરપણાને ભાસ થાય.