પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮ : કાંચન અને ગેરુ
 


'તારે ખુલ્લામાં પડી રહેવું પડે છે? રહેવાને હવેલી જોઈએ? હું પણ ખુલ્લામાં જ પડી રહું છું. હવેલીમાં રહેનારને પૂછી જોજે : એને તારા દેખાય છે? સૂર્યદર્શન એ કરી શકે છે? ચાંદનીમાં એ કદી નાહી શકે છે ખરો ? તારો એ વૈભવ હવેલીમાં રહેનાર પાસે નથી જ.'

આમ ઝૂંપડીમાં રહેનારને તે ઝૂંપડીનું મહત્વ સમજાવતો.

સ્વાભાવિક છે કે ગરીબને પકવાનની ઈચ્છા થાય. આનંદ તેને કહેતો : 'સ્વાદ જીભમાં છે; વસ્તુમાં નથી. ધનિકને શા માટે ખટરસની વાનીઓ વધારવી પડે છે એ તું જાણે છે? એના આખા યે છપ્પન ભોગમાંથી એને કશો સ્વાદ મળતો જ નથી. અને તારો રોટલો અને ચટણી ? કેવાં સ્વાદપ્રેરક બની રહે છે ! તારી રસના જીવંત છે. ધનિકની રસના મરવા પડેલી છે.'

એ પછી ગરીબોને પોતાનો રોટલે વધારે ભાવતો. આનંદને સાંભળવાની, આનંદને મળવાની ધનિકો કે સત્તાધીશોને તે ફૂરસદ મળતી જ નહિ. સત્તા અને ધનમાં મળતો આનંદ તેમને માટે બસ હતો.

ફરતો ફરતો આનંદ એક વાર ચંપાપ્રદેશની ચંપાનગરીમાં આવી ચડ્યો. શહેરોને સાદા ધર્મપુરુષો ગમતા નથી. ધન મેળવવાની ધમાલમાં અને સત્તાપ્રદર્શનની યોજનામાં આનંદ પ્રત્યે નિહાળવાની કોઈને જરૂર ન જ હોય એ સમજી શકાય; છતાં ભરતખંડથી આવતા કેટલાક વિચિત્ર સાધુઓ પ્રત્યે પગે ચાલતી જનતાને કુતૂહલ થતું ખરું. ગરીબીમાં સંતોષ મનાવતા, શૂન્યને સ્વર્ગ બનાવતા, પોતાનાં જ દ્રષ્ટાંતોથી એ વસ્તુ સાબિત કરતા એ ત્યાગનાં સંદેશવાહકો જનતાને ગમતા જરૂર. આનંદે એક વિશાળ મહાલય નિહાળ્યો. છલકાઈ જતી રિદ્ધિ સિદ્ધિના સંગ્રહસ્થાન સરખા એ સ્થળે અનેક પાલખી આવતીજતી અને સૈનિકો, વ્યાપારીઓ, કલાકારો તથા મજૂરોની ભીડ એક સરખી ચાલુ રહેતી આનંદે નિહાળી.