પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાંચન અને ગેરુ: ૨૫૯
 


'કોનો મહાલય આ ?' જવાબ આપવાની નવરાશ છે એમ એક રસ્તે જનારાના મુખ ઉપરથી સમજતાં આનંદે પૂછ્યું.

'મહારાજ ! એટલું ય જાણતા નથી ?' નવાઈ પામી રસ્તે જનારે જવાબ આપ્યો.

'નહિ, ભાઈ ! હું અજાણ્યો છું આ સ્થળથી.'

'આખા ચંપાપ્રદેશના ધનનું અને પ્રદેશની સત્તાનું કેન્દ્ર આ સ્થળ. સમજી લો કોણ એનો માલિક હશે તે.'

'ચંપાના રાજવી તો અહીં ન હોય. એ બીજે સ્થળે રહે છે; હું ત્યાંથી આવું છું. રાજા વગર બીજુ કોણ હોઈ શકે ?'

'ભરતખંડનો એક મહાન શ્રેષ્ઠી છે. એનાં સેંકડો વહાણ સમુદ્રમાં ફરે છે; હજારો માનવીઓની એની વણજાર દેશ પરદેશ કર્યે જાય છે; મહા ધર્મિષ્ઠ ને દાનેશ્વરી છે. જો આપને મળવાનો લાગ આવી જાય તો ! રાજ્યોનાં રાજ્યો એના હાથમાં રમે છે.'

'એનું નામ ?'

'શ્રેષ્ઠી જયંત.'

'મારા પ્રદેશનો જ એ શ્રેષ્ઠી. એને મળવું જ છે.' સહજ વિચાર કરી આનંદે નિશ્ચય જાહેર કર્યો.

'આજ ને આજ ભાગ્યે મળાય. કરી જુઓ પ્રયત્ન. એને પ્રત્યક્ષ મળતાં તો મહિનો વીતી જાય.' કહી રસ્તે જતો માણસ ચાલતો થયો.

આનંદે આંગણામાં પ્રવેશ કર્યો. એક આંગણરક્ષકે તેને રોકી પૂછ્યું : 'કોનું કામ છે, સાધુ ?'

'શ્રેષ્ઠી જયંતનું.'

'એ તમને ન મળી શકે.'

'કેમ ? સાધુઓને એ મળતા નથી ?'

'સાધુઓને માટે સદાવ્રત તેમણે કાઢ્યાં છે. તમારા દેશના કૈંક સાધુઓ એમાં રહે છે. બતાવું આપને ?'