પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૬ર : કાંચન અને ગેરુ
 

છાપ શ્રેષ્ઠીના મુખ ઉપરથી ખસતી ન હતી.

'ભરતખંડથી આવે છે, અને આપને મળ્યા વગર જવાની ના પાડે છે.

‘એવી હઠ શા કામની ?'

'પ્રભાતથી આવી હઠ લઈ એ સાધુ બેસી રહ્યા છે...'

'હાં...હાં. કદાચ જેને ઓળખું છું તે આનંદ તો ન હોય? બોલાવો, બોલાવો !'

અનેક વ્યવસાયમાં ભૂતકાળની ક્ષુલ્લક વાતો અને ક્ષુલ્લક માનવીઓને વીસરી જતા ધનિકોની સ્મૃતિમાં કદી વીજળી ચમકી જાય છે અને કેટલાક ક્ષુલક પ્રસંગો ઉપર પ્રકાશ પાડે પણ છે. શ્રેષ્ઠી જયંતને પોતાનો આશ્રમવાસ અને વિદ્યાભ્યાસ યાદ આવ્યાં.

વ્યાપારી વહાણમાં કર્મકાણ્ડી યુવક તરીકે ઊંચકાઈ આવેલા જયંતે કેટલી ઝડપથી વ્યાપારનાં ઉત્તંગ શિખરો સર કરી દીધાં, કેવી ત્વરાથી તેણે અઢળક ધનસંપત્તિ ભેગી કરી, એ સંપત્તિના બળ વડે કેવી કેવી સત્તા પ્રાપ્ત કરી અને કીર્તિની ટોચે તે કેવી સિફતથી ચડી ગયો, એની વિગતો વિચારતાં એને થયેલ સ્મૃતિ- દોષ સહુ કોઈ માફ કરે જ. તે એવા પ્રકાશવર્તુલમાં ઊભો હતો કે તેને જરૂર પોતાનો ભૂતકાળ એક અંધારા ઊંડાણ સરખો જ લાગે.

છતાં તેને આનંદ અંતે યાદ આવ્યો એ જરૂર એની માણસાઈનું જ પરિણામ ગણાય.

આનંદ આવી તેની સામે ઊભો. ભગવું વસ્ત્ર, સહેજ કૃશતાનું ભાન કરાવતો દેહ અને શીળું સ્મિત વેરતું મુખ, આનંદને જરૂર ઓળખાવી શક્યું.

પરંતુ જ્યંત ? દેહમાં વધારે પડતું માંસલપાણું, વધારે પડતી લાલાશ, હીરા મોતી અને સોને શણગારેલાં અંગઉપાંગ અને ચારે પાસ ચમકી રહેલો વૈભવ, વિદ્યાર્થી જયંતની એક રેખા પણ રાખી રહ્યાં હતાં કે કેમ તેની આનંદના મનમાં શંકા ઉપજી.