પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાંચન અને ગેરુ : ર૬૩
 


'આ જયંત હશે ?' તેને મનમાં પ્રશ્ન થયો.

'આનંદ ! તું ક્યાંથી ?' જયંતે મુખ ઉપર સહેજ પ્રસન્નતા લાવી પૂછ્યું.

'તને જ શોધતો આવ્યો. એકે વર્ષ આપણે આપણા જમાખર્ચનું સરવૈયું એકબીજા આગળ મૂકયું નહિ.' આનંદે કહ્યું.

'ઓહો ! એ જૂની વાત હજી યાદ છે?'

'જૂની વાત? બહુ વર્ષ થયાં નથી. થોડાં વર્ષમાં તું સંપત્તિને શિખરે બેઠો છે.'

'સંપત્તિ અને સત્તા બન્ને કહે. એ તો ઠીક પણ આનંદ ! તું આવ્યો ક્યારે ? મને ખબર કેમ ન આપી? તારા ઉતારાની શી વ્યવસ્થા છે ? હવે ભોજન મારી સાથે લેજે.'

'હું રાત્રિભોજન કરતો નથી; એકભુક્ત બની ગયો છું. !

'ફળ લેજે. પણ મારી સાથે તો બેસ !' કહી સુવર્ણપાત્રમાં પકવાન્ન અને દાળ બન્ને મિત્રોએ સાથે જ આરોગ્યાં.

'કહે, કુશળ છે?' આનંદે પૂછ્યું.

'સંપૂર્ણ રીતે.'

'ધન કેટલું ?'

'ફેકી દેતાં ખૂટે નહિ એટલું.'

'ધર્મમાં વાપર્યું કેટલું કેટલું ?'

'આનંદ ! હું ધર્મકાર્ય ચૂક્યો નથી. પંદર દેવસ્થાનો, પચાસ સદાવ્રત, સો પાઠશાળા, હજાર ધર્મશાળા...'

'ઓહો ! આટલાં પુણ્યે તો માનવીને મુક્ત મળે.'

'અરે, એક નહિ, અનેક આચાર્યોએ મારો મુક્તિમાર્ગ સરળ કરી આપ્યો છે. ઈંદ્ર, શંકર અને વિષ્ણુલોક પણ મારે માટે ખુલ્લા છે.'

'વાહ ! આચાર્યોએ તને મોક્ષની હુંડીઓ આપી પણ દીધી ?'

જયંત જાણે સ્વર્ગ, કૈલાસ અને વૈકુંઠ પ્રત્યે કૃપા કરતો એમ હસ્યો.