પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪ કાંચન અને ગેરુ
 


'બીજું કાંઈ ? સરવૈયામાં ?' આંનદે આગળ પૂછ્યું.

'કોઈને કહીશ નહિ પરંતુ ચંપાનું રાજ્ય મારે ત્યાં ગીરો મુકાયું છેઃ ' જયંતે કહ્યું.

'એટલે ? મને ન સમજાયું.'

'ચીન અને ચંપા વચ્ચે યુદ્ધ જાહેર થઈ ચૂક્યું જાણજે.'

'એ મને વધારે ગૂંચવનારું કથન.'

'તને યાદ છે મેં આશ્રમ બહાર જતાં શું કહ્યું હતું તે ?'

'ફરી કહે.'

'ધન એ જ સાચી સત્તા છે...સર્વ દિગ્વિજયની ચાવી ધન છે.'

'યાદ આવ્યું.'

'આ ધન સિવાય ચંપાના રાજવીથી ચીન સામે યુદ્ધ થાય એમ નથી. હું તેમને ધન આપી તેમનું રાજ્ય અને તેમની સત્તા ગીરવી લઉં છું.'

'એમ? સંભવ છે કે તું ચંપાનો રાજવી પણ બની જાય.'

એ જ માર્ગે હું જાઉં છું, તું ફરી આવીશ ત્યારે કદાચ જયંતને જ તું ચંપાધિપતિ નિહાળીશ.'

'તેં ધન પણ મેળવ્યું; ધર્મ પણ સાધ્ય કર્યો, સત્તા પણ મેળવી. જયંત, તું શર્તમાં જીતે એમ લાગે છે.' આનંદે સ્મિત ચાલુ રાખી કહ્યું.

જયંતના મુખ ઉપર પ્રફુલ્લતાનો બગીચો ખીલી નીકળ્યો. વિજયનું અટ્ટહાસ્ય તેના કંઠમાં આવી અટકી ગયું. અત્યંત હલકા દેખાવાના ભયે એ હાસ્યને જયંતે જરા રોકી રાખ્યું.

'પણ તું તો કહે ત્યાગથી તેં કઈ પ્રાપ્તિ મેળવી ?' જયંતે પોતાની પ્રફુલ્લતાને વિખરાવા-વેરાવા દઈ પૂછયું.

કદાચ હતું તે પણ ખોયું ! પ્રથમ વસ્ત્ર અને ઉપવસ્ત્ર બે હું ધારણ કરતો; હવે આ ગેરુરંગ્યો એક જ અંચળો મારે પહેરવા માટે રહ્યો છે.'