પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૬૬ : કાંચન અને ગેરુ
 


‘એ...મ ! ત્યારે તારા ધનની એક અશક્તિ તો અત્યારે જ દેખાઈ આવી.' આનંદે કહ્યું.

'શી અશક્તિ?'

'કુંવરીનો પ્રેમ તારા ધનથી ન જીતી શકાયો તે.'

'દેહની પાછળ પ્રેમ આપોઆપ આવશે.'

'એ હું માનતો નથી. અને...કદાચ કુંવરીનો દેહ પણ તારા હાથમાં નહિ આવે !'

'શું ? શું કહે છે તું ?.' જયંતે ચમકીને પૂછ્યું. અને સ્મિતભર્યો આનંદ કાંઈ જવાબ આપે તે પહેલાં જ જયંતનો મુખ્ય મુનીમ અંદર ધસી આવ્યો, અને ભર્યે શ્વાસે બોલી ઊંઠ્યો : શ્રેષ્ઠીજી ! બાજી ઊંધી વળી.'

'થયું શું?'

'રાજકુંવરીએ આજ સવારે ભિખુણીની દીક્ષા લઈ મઠપ્રવેશ કર્યો છે.' મુનીમે કહ્યું.

'અને એ દીક્ષા મેં આપી છે, એ કહેવા માટે તો હું અહીં સવારનો રખડું છું.' આનંદે વચ્ચે જ હકીક્ત કહી.

'આનંદ? તું? મારા માર્ગમાં? પેલી તલવાર લાવો, મુનીમજી !' જયંતે કહ્યું. એના મુખ ઉપર નિરાશાએ પ્રગટાવેલો ક્રોધ પ્રજળી રહ્યો.

'તને ખબર નહીં હોય, જયંત ! પણ હું તો અહીં આવ્યો છું ત્યારથી મારું મસ્તક હાથમાં જ રાખીને આવ્યો છું !' આનંદે કહ્યું.

'તને મૃત્યુનો ભય નથી શું ?'

'ના, મૃત્યુનો ભય શા માટે? જીવનનું અંતિમકાર્ય એટલે મૃત્યુ. આજ નહિ આવે તો ગમે ત્યારે જીવન તે મેળવશે જ ! નહિ?' આનંદે કહ્યું.

'અને બીજા સમાચાર, શ્રેષ્ઠી ! રાણીજીએ અહિંસાધર્મ સ્વીકાર્યો અને મહારાજને તે સ્વીકારવા વિનવી રહ્યાં છે...કદાચ ચંપા અને ચીન વચ્ચેનું યુદ્ધ બંધ પણ રહે.'