પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાંચન અને ગેરુ : ૨૬૭
 


‘આનંદને મારી નજર આગળથી દૂર કરો ! લઈ જાઓ ! ધક્કો મારો !' જયંતે વધારે ઉશ્કેરાઈને બૂમ પાડી.

'તારા ધનથી બે દિગ્ ન જિતાઈ ! સમજી લે, જયંત ! ધનથી બધું જિતાશે; પણ ધનથી પ્રેમ અને મોત જિતાશે નહિ. તારું ધન એ બન્ને જીતે તે દિવસે હું પાછો આવીશ અને આપણે આપણી પ્રાપ્તિનું સરવૈયું કાઢીશું.' આનંદે કહ્યું અને તે પાછો ફર્યો.

સાધુ આનંદથી વાણી, પ્રતિષ્ઠા મહારાણી સુધી પહોંચ્યાં. તેમણે ત્રણેક દિવસથી આનંદનાં વ્યાખ્યાનો સાંભળ્યાં. કુંવરીને એ વ્યાખ્યાનો સાંભળી આવેલો વિરાગ એટલો તીવ્ર બન્યો કે આનંદની અનિચ્છા છતાં તેને સાધ્વીની દીક્ષા આપવી પડી. આનંદે એ પણ જાણી લીધું હતું કે ધનમત્ત જયંત કુંવરીની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવા માગે છે અને ચીન જીતવાની ધનસગવડમાં ચંપાના રાજવીને યુદ્ધમાં પ્રેરે છે. જયંત તેનો મિત્ર હતો. પરંતુ...આખું જગત તેનું મિત્ર હતું. કુંવરીને દીક્ષા આપવામાં એક પ્રેમવિહીન લગ્ન એણે અટકાવ્યું અને અર્થવિહીન ચીન ચંપાનો સંહાર અટકાવ્યો.

શ્રેષ્ઠીના મહાલયની દીપમાળા, ઘુમ્મટ અને શિખરોના સુવર્ણ કળશને ઝગારો આપી રહી હતી. સુવર્ણ કળશને આંખો આવી ! એક ગેરુભર્યો અંચળો વિજય પગલાં પાડતો મહાલયના દરવાજા બહાર ચાલ્યો જાય છે એ કળશે જોયું.

સુવર્ણ ઝાંખું પડ્યું. કાંચનને ગેરુની અદેખાઈ આવી.

• •