પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ર૩
 

છીએ. આયપતવેરાનો હિસાબનીસ પણ મારા હિસાબને પૂરો સમજી ન શકે ! એકંદર આર્થિક દૃષ્ટિએ કુટુંબની ચિંતા રહી નથી.

વકીલને ધનની સાથે વિશાળ અને વિધવિધ અનુભવો પણ મળે છે. પૈસા પૂરા ન આપતાં સામે ધમકી આપી છરી બતાવનાર અસીલથી માંડી હારવાનો સંભવ પ્રામાણિકપણે બતાવ્યા છતાં ભરપટ્ટ પૈસા આપી લડવાને તત્પર એવા મમતી અસીલો સુધીમાં અનુભવની એક વૈજયંતીમાળા વકીલજીવનમાં ગૂંથાઈ જાય છે.

તેમાં યે મને થયેલો એક અનુભવ હું કદી વીસરી શકતો નથી. એ અનુભવે એક વસ્તુ સાબિત કરી આપી. વકીલનો સર્વાંશે વિશ્વાસ કરનાર માનવી પણ હોય છે ખરા !

વકીલાતની શરૂઆત કોને કહેવી ? ક્યારે કહેવી ? એ પ્રશ્ન આજના વકીલોને જરૂર મુંઝવી રહ્યો છે. પાંચ વર્ષે પણ શરૂઆત ગણાય અને દસકો પણ શરૂઆતમાં ગણાય. એ ધંધામાં સરકારી નોકરી, માફક ફરજિયાત નિવૃત્તિ મળતી ન હોવાથી વકીલનું પાટિયું કદી ખસતું જ નથી. સગા દીકરાનું પાટિયું પણ વકીલ પિતાને હરીફ પાટિયું લાગે છે !

મારી દ્રષ્ટિએ વકીલાતની શરૂઆત હવે મટી ગઈ અને હું મને પોતાને જરા અનુભવી વકીલ ગણતો થયો–મુગ્ધા જેમ મધ્ય નાયિકાનો ભાવ અનુભવે તેમ ! તે સમયનો મારો ન ભુલાતો અનુભવ હું અહીં કહી રહ્યો છું. જોકે મારું પોતાનું સ્વતંત્ર ઘર બાંધવાનો સમય હવે જલદી આવી પહોંચે છે, એવા આનંદભર્યા ભાવિનો વિચાર કરતો હું હજી ભાડાના જ ઘરમાં રહેતો હતો !

એકાએક કૂતરાં ભસી ઊઠ્યાં. કેસનાં કાગળિયાં હું વાંચતો હોઉં ત્યારે બનતાં સુધી મારું ધ્યાન આસપાસ ખેંચાતું નથી. કૂતરાંનો ધર્મ છે કે તે ભસે. મારો ધર્મ છે કે મારે મારા કામમાં જ ધ્યાન પરોવાયેલું રાખવું. પરંતુ અત્યારે તે કૂતરાંએ એટલો ઘોંઘાટ કર્યો કે હું મારા ધ્યાનમાંથી ચલિત થયો.