પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ : કાંચન અને ગેરુ
 


'અરે, કેમ આ કૂતરાં આટલું બધું ભસે છે ? મારી કાઢ.' મારાથી રહેવાયું નહિ એટલે મેં નોકરને કહ્યું.

'સાહેબ ! પડોશમાં એક નવો કૂતરો આવ્યો છે...' નોકરે કહ્યું.

'અરે, તું વાત શી કરે છે? એને કાઢી મૂક.'

'કઢાય એમ નથી. નવા ભાડૂતનો કૂતરો છે.'

'નવો ભાડૂત ? એ વળી કોણ છે ?'

'પાસે બે ઓરડીઓ ભાડે રાખી છે. કોઈ પરદેશી લાગે છે. હમણાં જ આવ્યો.'

'આવા ભાડૂતો ક્યાંથી આવે છે? પાછાં કૂતરાને રાખતા હોય એવા ?'

મને એકે જાનવર ગમતું નહિ. જાનવર તરફ માનવીને કેમ લાગણી થતી હશે ? માનવીને માનવી જ બહુ ન ગમે; તેમાં પાછાં કૂતરાં, બિલાડાં, સસલાં કે હરણ પાળવાની વૃત્તિ માનવીમાં કેમ જાગે એ હું સમજી જ શકતો નહિ.

નીચે એક બૂમ પડી: 'સુલતાન ! બસ બેટા !'

હું કાંઈ સમજ્યો નહિ. કૂતરાં ભસતાં બંધ થયાં અને મારા કેસનાં કાગળયાં વાંચી હું સૂતો. આવતી કાલે મારે ન્યાયાધીશ પાસે કેમ તકરાર કરવી, કયા મુદ્દા ઉપર ભાર મૂકવો, કયો પ્રશ્ન જતો કરવા, એવા એવા વિચારના વમળમાં ગોથાં ખાતા મને નિંદ્રા તો આવી; પણ નિંદ્રા એક સ્વપ્ન પણ સાથે લાવી. એ સ્વપ્નની વિગતો ન્યાય અને ન્યાયાધીશની બદનક્ષીરૂપ બની જાય એમ છે. એટલે વિશેષ કાંઈ નહિ કહેતાં એટલું જ જણાવીશ કે આખી અદાલત શ્વાનઅદાલત બની ગઈ હતી ! વકીલ, અસીલ, ફરિયાદી, આરોપી, પક્ષકાર, સાક્ષી, ન્યાયાધીશ, નાજર, પટાવાળો, પોલીસ, એ સર્વ શ્વાનઆકાર ધારી રહ્યા હતા ! અલબત્ત, એકબીજાની ભાષા સમજુતી હતી, અને કામ ધોરણસર ચાલતું હતું ! ન્યાયાધીશનો ઝડપી પંખો પણ ચાલતો હતો ! કોર્ટમાં આયનો ન હોવાથી મારા મુખમાં