પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ર૫
 

પરિવર્તન થયું હશે કે કેમ એની ખબર પડી નહિ !

હું ઊઠ્યો તે પણ કૂતરાની જલદ ભસાભસથી ! મારી આજની આખી સૃષ્ટિ શ્વાનભરી કેમ બની ગઈ હશે ? સંસ્કૃત નામ 'શ્વાન', આપવાથી કૂતરાંની આકૃતિ અને તેમની વાણી બદલાતી નથી !

'આ શું ચાલે છે ગઈ રાતથી? આમ તો મારાથી કામ નહિ થાય !' મને ચા આપતી મારી પત્નીને મેં સવારમાં કહ્યું.

'કેમ ? શુ તબિયત કેવી છે?' મારી પત્ની ગ્રેજયુએટ ન હોવાથી હું તેની કાળજી લઉં એ કરતાં તે જ મારી વધારે કાળજી લેતી હતી.

'તબિયત તે કેમ સારી રહે આ ઘોંઘાટમાં ?' મેં કહ્યું

'ઘોંધાટ ? ઘરમાં તો કોઈ બોલતું નથી.'

'આ સભળાતો નથી ઘોંઘાટ ? બહાર કેટલાં કૂતરાં ભસે છે? સુધરાઈ કે સરકારને આ આફતનો ખ્યાલ પણ લાગતો નથી.' મેં ચિડાઈને કહ્યું.

'એ તો ચલાવી લેવાનું ! શેરીનાં કૂતરાંને કાંઈ ઘડીઘડી પથરા મારતાં ઓછાં બેસાય એમ છે?' પત્નીએ કહ્યું, અને તેના મુખ ઉપર આછું સ્મિત ફરક્યું. પત્નીનું પ્રત્યેક સ્મિત ગમે એવું હોતું નથી એમ પતિવર્ગ આખો જાણે છે. મને ડર છે કે પ્રેમનો પ્રથમ ઊભરો શમી જતાં પત્નીને મન પતિ ઘણી યે વાર હસવા લાયક પ્રાણી બની જાય છે. મેં વાતને લંબાવી નહિ. હું મારા કામમાં પરોવાયો અને વખત થતાં મારી ગાડીમાં બેસી હું કચેરીમાં જવા બહાર નીકળ્યો.

બહારની એક ઓરડીના ઓટલા ઉપર ખાટલો ઢાળી એક વૃદ્ધ પુરુષ બેઠો હતો, અને તેની જ પાસે એક બિહામણો કૂતરો વર્તુલમાં બેસી જીણી ખૂની આંખે જનાર–આવનાર તરફ જોયા કરતો હતો. મને જોઈ તેણે કાન હલાવ્યા અને પડી રહેલા તેના પુચ્છને સહેજ ગતિ આપી. મારા હૃદયના ધબકારા વધી ગયા.