પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૬ : કાંચન અને ગેરુ
 

'સલામ, વકીલસાહેબ !' વૃદ્ધે બેઠે બેઠે મને સલામ કરી કહ્યું. અદ્રશ્ય થતા યુગનો જાણે પ્રતિનિધિ હોય એવો એ વૃદ્ધ દેખાતો હતો. મૂછ રાખવી કે નહિ એ પ્રશ્ન એના જીવનમાં કદી ઉપસ્થિત થયો હોય એમ લાગ્યું નહિ. વૃદ્ધ ટટાર બેઠો હતો. તેનો એકવડો દેહ અને જીણું મુખ તેની વયને ઘટાડી દેતાં હતાં.

'સલામ, ભાઈ ! હમણાં જ રહેવા આવ્યા, નહિ ?' હું ગાડીમાં બેસતાં બોલ્યો.

' જી, ગઈ કાલે જ આવ્યો. આપ જેવાની છાયામાં છેલ્લા દિવસ ગુજારી લઈશ.'

'ભલે, આરામથી રહો. કાંઈ કામ હોય તો કહેજો.' મેં એક સારા પડોશી બનવાનો પ્રયત્ન કર્યો. વૃદ્ધની વાતચીત એટલી વિવેકભરી હતી કે પહેલી જ ઓળખાણે તેના કૂતરા વિશે તકરાર કરવાનું મને ઠીક ન લાગ્યું. હું કચેરીમાં ગયો, મારા મુકદ્દમાઓ ચલાવ્યા અને સમય પૂરો થયે ઘેર આવતાં પાછો પેલા વૃદ્ધનો કૂતરો યાદ આવ્યો. અને પાછી ઘોંઘાટભરી રાત્રિના ખ્યાલે હું જરા ગુસ્સે થયો. ઘર આગળ ગાડી ઊભી રહી અને પેલા વૃદ્ધનો ઓટલે બેઠેલો ક્રૂર કૂતરો સિંહ જેવો ઘર્ઘર અવાજ કરી ઊભો થયો. કૂતરો બીજા કૂતરાને કરડે ત્યાં સુધી આપણને બહુ હરકત હોતી નથી, પરંતુ એ આપણને કરડે એ જોખમ અસહ્ય બની જાય છે. અજાણ્યો કૂતરો વાઘસિંહ જેવો જ વિકરાળ લાગે છે, અને કૂતરાનો ભારે ડર લાગવા છતાં એનો ડર જરા ય લાગતો નથી એવો દેખાવ રાખવામાં આપણાં જ્ઞાનતંતુ બહુ તંગ બની જાય છે. લાકડી બહાદુરીપૂર્વક મારવાથી કૂતરો નહિ જ કરડે એવી કોઈ ખાતરી આપતું નથી, તેમ જ કૂતરાને બે હાથ જોડી પગે લાગવાથી અગર શરણાગતિદર્શક બે હાથ ઉંચા કરવાથી કૂતરો વગર કરડ્યે આપણને માર્ગ આપશે કે કેમ તેની પણ ખાતરી લાયક માહિતી આપણને કોઈ આપતું નથી. કૂતરાંથી આપણે ડરીએ