પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ર૭
 

છીએ એવો દેખાવ કરવામાં આપણને ખરેખર નાનમ લાગે છે; અને ડર લાગવા છતાં તેવો દેખાવ ન થઈ જાય એની ચિંતામાં થઈ જતો આપણો દેખાવ આસપાસની બારીઓમાંથી હસતા મુખની પરંપરા ઊભી કરે એ પણ અસહ્ય સ્થિતિ બની જાય છે. દોડીને ભાગી જવામાં ઉંમર નડે એમ હોય છે, અને વયને બાજુએ રાખી આપણે દોડીએ છતાં કૂતરાની ઝડપ આપણાં કરતાં વધારે જલદ હોય છે એની ખાતરી થઈ ચૂકેલી હોય છે. આમ માણસ અને કૂતરાંના સંબંધ અંગે ઊભી થતી મૂંઝવણ એક લાંબો નિબંધ માગે એવી હોય છે, એમ મને અત્યારે, જોતજોતામાં સમજાયું. પરંતુ નિબંધ લખવાથી શ્વાનભય દૂર થતો નથી.

સદ્દભાગ્યે પેલો વૃદ્ધ બહાર આવ્યો અને બોલ્યો : 'સલામ, સાહેબ ! '

'સલામ, ભાઈ ! કેમ છો? આ તમારો કૂતરો ભયંકર લાગે છે.'

'કોણ? મારો સુલતાન ? નહિ રે, સાહેબ ! એના જેવું અશરાફ પ્રાણી તમને બીજું નહિ મળે.'

'દેખાય છે તો બહુ ક્રૂર ! '

'એ તો હસે છે, વકીલસાહેબ? જરા રમાડી જુઓ.'

કૂતરાને માથે અને પીઠે વૃદ્ધે હાથ ફેરવ્યો અને એકાએક કૂતરાએ વૃદ્ધની આસપાસ તાંડવનૃત્ય શરૂ કર્યું. વૃદ્ધના હાથને, પગને, કપડાંને આંગળીને ફાવે તેમ કૂતરાએ નખ ભરવા માંડ્યા, દાંત બેસાડવા માંડ્યા, દેહ ઉપર પગ મૂકવા માંડ્યા, અંગ સાથે પછડાવા માંડ્યું અને મને લાગ્યું કે આ ઉશ્કેરાયેલો જબરદસ્ત કૂતરો વૃધ્ધને ફાડી ખાશે !

પરંતુ વૃદ્ધના મુખ ઉપર પરમ આનંદ પ્રસરી ગયો હતો. પ્રસન્ન અને હસતે મુખે તે કૂતરાને હાથ, આંગળાં, પગ ચાટવા માટે આપતો જ ગયો ! કૂતરાએ સહજ ઘુરકાટ પણ કર્યો અને અંતે વૃદ્ધે કહ્યું : 'હવે બેસ જરા, સુલતાન ! બસ થયું.'