પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ર૯
 

હકીકત આગળ આવતી નહિ.

કૂતરાનો દેખાવ ખરેખર ભય લાગે એવો જ હતો. એને ધારીને નિહાળતાં એના મુખ ઉપર સિંહ દેખાતો, એની આંખમાં વાઘ આવીને બેસતો, એનો આકાર નિહાળતાં દીપડો નજર સામે આવતો. એ બનતાં સુધી ભસતો નહિ, પરંતુ જ્યારે તે ભસતો ત્યારે તેનો ઊંડો ઘૂંટાયલો અવાજ બિહામણો બની જતો અને તેનો ઘુરઘુરાટ સાંભળતાં જ પાસેની શ્વાનસૃષ્ટિ રડી ઊઠતી. એક જબરદસ્ત ગવૈયાનો જ ઘૂંટાયલો ઘુરકાટ એની બરોબરી કરી શકે ! ગાયકને મળતી કંઈક લઢણ ખરી !

જતેઆવતે વૃદ્ધ બલવીરસિંહ મને સલામ કરતો અને બોલાવતો. આસપાસનાં બીજાં માણસો અને બાળકોમાં પણ એ પ્રિય થઈ પડ્યો હતો. થોડા દિવસમાં તો મેં જોયું કે નાનાં બાળકો સુલતાનને પંપાળવા ખાસ ભેગાં થતાં હતાં.

મને ભય પમાડતા કૂતરાએ એક દિવસ મારી ભારે સેવા બજાવી. હું રાત્રે સૂતો હતો. ગરમી લાગવાથી મારી અગાસીમાં જ હું ઘણું ખરું સૂતો અને મારી ઓરડીમાંથી અગાસીમાં આવવા જવાનું એક બારણું ખુલ્લું રાખતો હતો. આમ તો હું ઝડપથી જાગી જાઉં છું અને રાત્રે બહાર કોલાહલ થતાં જ હું જાગી ઊઠ્યો. ચોરની બૂમ શેરીમાં પડી હતી એમ મને ભાસ થયો.અગાસીમાંથી જોયું તો સુલતાને એક માણસના પગને દાંતમાં પકડ્યો હતો અને તેના અનેક પ્રયાસ છતાં તે પગને છોડતો ન હતો.

બલવીરસિંહ પાસે જ ઊભો હતો અને પેલા માણસનો પગ કૂતરાથી છોડાવવા મથતો હતો.

'સરકારમાં અરજ કરીને પણ આ કૂતરાને કાઢવો પડશે.' હું મન સાથે બોલ્યો.

'વકીલસાહેબ ! જાગો છો ? જરા નીચે પધારો ને ? ' બલવીરસિંહે મને સાદ કર્યો,