પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : કાંચન અને ગેરુ
 

કૂતરા વગર કોઈ પણ સ્થળે જતોઆવતો ન હોવાથી એને ઘરમાં બોલાવવાની હજી મેં હિંમત કરી ન હતી. આવતાં જતાં હું તેની સાથે વાત કરતો ત્યારે સુલતાન કદી કદી મારા પગ સાથે પોતાના દેહને ઘસતો, મારા હાથ ઉપર જીભ ઠેરવવા મથતો અને મને ચમકાવતો. મારી ચમક જોઈ બલવીરસિંહ સહજ હસતો અને કહેતો : 'સુલતાન તરત સમજી લે છે કે મારા દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે. આપને એ કદી નહિ કરડે.'

'પણ જાનવરનો શો વિશ્વાસ ?'

'અરે સાહેબ ! આપનો મુકદ્દમો બચાવ્યો તો ય આમ કહેશો ? ઘોડા અને કૂતરા સરખું વફાદાર પ્રાણી બીજું એકે ય નથી. માણસ પણ નહિ !

'એ સાચું હશે; પણ મને તો ડર લાગ્યા જ કરે છે.'

'બચ્ચું હતું ત્યારથી એને ઉછેર્યો. સારામાં સારાં નરમાદા એનાં માતાપિતા બહુ જાતવાન છે.' બલવીરસિંહે કહ્યું.

મને હસવું આવ્યું. 'કૂતરામાં તે જાત શી ? અને ઉછેર શા?' મેં કહ્યું.

'નથી મનાતું, વકીલસાહેબ? માનવીને ઉછેરનું ભાન નથી એટલે જાનવરની વાત સાચી ન લાગે. પણ વકીલસાહેબ બુનિયાદ એ જીવનનું મોટામાં મોટું સત્ય છે.' બલવીરસિંહે જવાબ આપ્યો.

'તે, એનાં માબાપ ક્યાં છે?'

'મરી ગયાં. દગાનો ભોગ બનીને.'

'દગો ? તમે પણ કૂતરામાં માનવસમાજ જેવી વ્યવસ્થા કલ્પી લો છો કે શું ?'

'માનવી અંદર ભળ્યો માટે દગો થયો. બાકી જાનવરની તો સીધી લડત. હારે અને જીવવા માગે તો લેટી પડે; હારવું ન હોય તો એને મરવું કે મારવું જ રહ્યું. એની માં અને એનો બાપ બન્ને દિગ્વિજયી હતાં... હસવાની વાત નથી. સત્ય ઘટના છે....'