પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ : કાંચન અને ગેરુ
 

પાસે આવવા દીધો. માલિકનો આમ બચાવ કરનાર પ્રાણી તરફ મને પણ બહુ ભાવ ઉત્પન્ન થયો. બલવીરસિંહે કોઈ વીરકથા કહી હોય એમ મને લાગ્યું.

'શાબાશ ! તું જાતવાન છે એનો પરચો મને પણ થયો.' મેં કહ્યું.

'વકીલસાહેબ ! એની દોસ્તી કેળવો.'

'પણ એ કેમ બને?. અને મને વખત ક્યાં છે?'

'હું તો તમારી પાસે દયા માગું છું, વકીલસાહેબ !'

'એટલે? તમારા જેવા શૂરવીરને દયા માગવાની હોય?'

'સુલતાનને ખાતર માગવી પડે છે.'

'મને સમજાયું નહિ. મારી દોસ્તીથી એને શો ખાસ ફાયદો?'

'વકીલસાહેબ ! સુલતાને વાઘનું ગળું પકડ્યું તે ક્ષણથી મને હૃદયરોગ લાગુ પડ્યો છે. હું ગમે ત્યારે મરી જાઉં. પછી આ સુલતાનને કોણ સમજશે અને કોણ પાળશે?'

'શી વાત કરો છો? હજી તો દેહ મજબૂત લાગે છે. અને તમારા બીજા ઠાકોર હશે ને ?'

'ના જી; એ ઠાકોર પણ ગુજરી ગયા અને તેમના માનીતા સાથી તરીકે મારે તેમનું રાજ્ય છોડવું પડ્યું. રાજખટપટ તો આપ જાણો જ છો ને ? નહિ તો હું અહીં શા માટે આવીને વસું ?'

'ચાલો, હું પ્રયત્ન કરી જોઈશ. સુલતાન મને સોંપવાની તમારી ઈચ્છા લાગે છે.'

'સોંપું તો કોઈને જ નહિ. મારું ચાલે તો હું એના માથામાં ગાળી છોડી પછી મરું. પણ હું અચાનક મરીશ. સુલતાનને ઠેકાણે કરવાનો–સુખી કરવાને મને મરતી વખતે સમય નહિ રહે. અને ..અને... મારા વગર એ કેમ જીવશે તેની રાતદિવસ મને ચિંતા રહે છે.

'હરકત નહિ. હું એની સાથે આજથી જ દોસ્તી કરું; પછી