પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન :૩૭
 

કાંઈ? મારા ઉપર પણ એનો ભારે ઉપકાર છે.' કહી સુલતાન ઉપર જરા વધારે પ્રેમથી હાથ ફેરવી હું ઘરમાં આવ્યો. પછી તો એક અઠવાડિયા સુધી જતેઆવતે સુલતાનને બોલાવી હું હાથ ફેરવી દોસ્તી વધારવા મથતો હતો. મારી પાસે એ આવે ખરો, પરંતુ બલવીરસિંહ અને સુલતાન વચ્ચે પ્રેમ મને કોઈ બાપદીકરાના પ્રેમ કરતાં પણ વધારે જ્વલંત લાગ્યો.

એક સવારે હું મહત્ત્વનું કામ લઈ બેઠો હતો અને વાઘ સરખા સુલતાને મારા ખંડમાં પ્રવેશ કર્યો. પ્રથમ તો હું ચમક્યો; પરંતુ એની પાછળ તરત જ બલવીરસિંહ આવી પહોંચ્યા. બલવીરસિંહના મુખ ઉપર સહજ વ્યગ્રતા હતી, જો કે તેમણે હસતું મુખ રાખવા ઠીક ઠીક પ્રયત્ન કર્યો હતો.

'આવો આવો, ઠાકોર સાહેબ ! અત્યારે ક્યાંથી ?' મેં આવકાર આપી એ વૃદ્ધ પુરુષને બેસાડ્યો. થોડી વાર સુધી તેનાથી બોલાયું નહિ, અને તેણે પોતાના હૃદય તરફ આંગળી કરી ન બોલવાનું કારણ દર્શાવ્યું. ને ખરેખર બલવીરસિંહને દૂરથી ગૌરવભર્યો લાગતો ચહેરો આજ બહુ ઝાંખો પડી ગયો હતો.

'કાંઈ નહિ; જરા શાંતિથી બેસો. ચા મુકાવું.' મેં કહ્યું. અને એક માણસને ચા બનાવી લાવવા ફરમાન કર્યું. ચા સરખું બીજું અનુકૂળ આતિથ્યસાધન નવા હિંદને હજી સુધી જડ્યું નથી.

બલવીરસિંહે મારી પાસે એક પાકીટ મૂકી દીધું. કાંઈ કેસનાં કાગળિયાં હશે એમ ધારી તે મેં ખોલ્યું. એમાં નોટોનો થોકડો હતો !

'આ શું ? શા માટે?' મેં જરા આશ્ચર્ય પામી પૂછ્યું.

‘સુલતાનને માટે.' સુલતાન ઉપર હાથ ફેરવતાં ફેરવતાં બલવીરસિંહે કહ્યું.