પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦ : કાંચન અને ગેરુ
 


બલવીરસિંહના મુખ ઉપર પરમ સંતોષ ફેલાયલો મેં નિહાળ્યો.

'પ્રભુ તમારું કલ્યાણ કરશે ! માબાપ વગરના બાળકને પાળવાનું પુણ્ય તમને પ્રાપ્ત થશે. હવે મોતને જ્યારે આવવું હોય ત્યારે આવે. વકીલસાહેબ ! રજા લઉં છું માફ કરજો જરૂર પડ્યે હું આપને બોલાવીશ.' બલવીરસિંહે ઊઠવાની તૈયારી કરતાં કહ્યું.

'પણ આ તમારું પાકીટ ? એમાં તો પૈસા છે ! અહીં કેમ ભૂલી જાઓ છો?' મેં કહ્યું.

'એ તો, વકીલસાહેબ ! અહીં જ મૂકવાનું છે.'

'કારણ?'

'સુલતાનનો એ વારસો છે.'

'ઠાકોરસાહેબ ! મને બે રોટલા શું નહિ મળે કે સુલતાનને હું ભૂખ્યો રાખીશ?' ત્યારે અનાજની માપબંધી ન હતી.

'નહિ નહિ, વકીલ સાહેબ ! ખોટું ન લગાડશો. પણ સુલતાનને રાખવો જરા મુશ્કેલ છે. તમારે એક જુદો માણસ કદાચ રાખવો પડે કે માલિકને તો એ કદી કનડગત કરે એવું નથી. એને કદી કદી જુદા ખોરાકની પણ જરૂર પડે...'

'એ બધું હું નહિ કરી શકું?'

'વધારે રકમ નથી. પાંચ હજાર જેટલી જૂજ....'

'પાંચ હજાર ? એક કુતરા માટે ?ઠાકોરસાહેબ ! તમારો સુલતાન તો અજબ છે જ; પણ તમે તેથી યે વધારે અજબ છો... !'

'મારાં સોગન ! એટલું સુલતાનને ખાતર...મારે ખાતર રાખો હું કે મારો સુલતાન કોઈને ભારણરૂપ ન બનીએ એટલે જ લોભ...'

‘વારુ, હું સાંજે આવતાં આવતાં વાત કરીશ. પૈસા મારે ત્યાં અનામત પડ્યા જ માનજો.'

પરંતુ સાંજ પડે કેમ? બલવીરસિંહની ઓરડીમાંથી થોડી વારે, સુલતાનનો બેત્રણ વાર ધુરધુરાટ સંભળાયો. તે ભાગ્યે જ ભસતો; પરંતુ હું કોર્ટમાં જાઉં એટલામાં તો મેં એને બેત્રણ વાર ભસતાં