પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ૪૫
 


એક દિવસ–ઘણું કરીને બલવીરસિંહના મૃત્યુ પછી દસમે દિવસે, સુલતાનનો સવારથી પત્તો લાગ્યો નહિ. આખા ગામમાં મેં તેની શોધ કરાવી. કોઈકે અંતે કહ્યું : ' સ્મશાનની બાજુએ એક મોટા કૂતરાને જતાં મેં જોયો છે.'

ગાડી કરી હું ઝડપથી ત્યાં દોડ્યો. મારું હૃદય ધડકવા લાગ્યું...શું એ નિત્ય સ્મશાનમાં તો નહિ જતો હોય ? ખરે ! સ્મશાનમાં જઈ જોયું તો બલવીરસિંહની જ્યાં ચિતા સળગાવી હતી તે સ્થળે જ બરાબર ખાડો કરી સુલતાન કુંડલાકારે સૂતો હતો !

શું એ ભૂત હતો ?

ના ના; એના પ્રિય માલિકની પાછળ એણે એ જ સ્થળે દેહત્યાગ કર્યો હતો !

શો સુલતાનનો પ્રેમ ? શી સુલતાનની વફાદારી ?

યુધિષ્ઠિરે પોતાના કૂતરાને છોડી સ્વર્ગમાં પ્રવેશ કરવાની ના પાડી હતી ! બલવીરસિંહે પણ શું તેમ, કર્યું હશે?

માનવી અને શ્વાન વચ્ચે આ પ્રાણાર્પણ જેવો સંબંધ હોઈ શકે છે. માનવી માનવી વચ્ચે એમ થાય તો ?

સુલતાનના પાંચ હજાર રૂપિયા હજુ મારી પાસે છે, એટલી જ રકમ ઉમેરી એ શ્વાનનું બાવલું-શ્વાનનો કીર્તિસ્તંભ ઊભો કરી મૂર્તિશોખીન માનવજાતને અર્પણ કરવા હું ધારું છું.

માનવી શ્વાન જેટલો પ્રેમાળ અને શ્વાન સરખો વફાદાર પણ નથી. ભલે તેના બાવલાં અને પ્રતિમાઓ રચાય !