પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રભુ છે ? : ૪૯
 


છતાં–છતાં વિધવા માતાએ કેટલા ય ટંકનું ભોજન જતું કરી દીકરાને ઓછું ન આવે એ માટે થોડા માસ પછી અશોકને માટે સાઈકલની સગવડ કરી ! એ વપરાયેલી સાઇકલ હતી, છતાં અશોકને એ ગમી.

પરંતુ જ્યારે અશોકે કહ્યું કે 'મા ! આપણે આવું નાનું ઘર કેમ ? રશ્મીકાન્તનો બંગલો એવો સરસ છે ! અને પેલા બુદ્ધિધનનો બગીચો?..વાહ ! મા ! આપણે બંગલો યે નહિ અને બાગે નહિ, એમ કેમ?' ત્યારે માતાની આંખમાંથી ચોધાર આંસુ વહ્યાં ! માતાએ અનેક આંસુ પાડ્યાં હશે, પરંતુ પુત્રની નજર સામે નહિ જ ! પુત્રે માતાની આંખમાં અશ્રુ નિહાળવા આ પ્રશ્ન પૂછ્યો પણ ન હતો ! અશોકને આ જગતમાં મા સિવાય કોઈ સગુંવહાલું અગર મિત્ર હતું જ નહિ. એનું ઊર્મિજગત અશોકની આસપાસ જ ફરતું રહેતું હતું, માને રોતી નિહાળી અશોકને પોતાનું હૃદય ચીરી નાખવાનું મન થયું.

'મારી કાંઈ ભૂલ થઈ ? મા, હું હવે તને બંગલાની કે બગીચાની વાત કદી પૂછીશ જ નહિ !' અશોકે માતાની બહુ જ પાસે બેસી કહ્યું.

'તારી ભૂલ કેમ કહું, દીકરા ? ભૂલ મારી ! મેં તને ગરીબ ઘરમાં જન્મ આપ્યો.' માએ ઝડપથી આંસુ લૂછતાં કહ્યું, અને પુત્રને પાસે લીધો !

પુત્રને ખ્યાલ આવ્યો કે આજ સુધી સર્વ શક્તિમાન લાગતી સુનંદા ગરીબી આગળ લાચાર હતી. એને સમજ પણ આવી અને એને આંખ પણ આવી. એના મુખ ઉપર કોઈ નિશ્ચય પ્રગટી નીકળ્યો.

'પણ જો, અશોક ! પ્રભુ ધારશે તો તને બંગલા અને બગીચા બધું જ આપશે.' માતાએ કહ્યું.

સુનંદા અતિ ધર્મનિષ્ઠ હતી. તેનો દીવો, ગીતાપાઠ, કૃષ્ણમૂર્તિની