પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦ : કાંચન અને ગેરુ
 


પૂજા : એ તેના જીવનનું આવશ્યક અંગ બની રહ્યાં હતાં.

અશોકે પૂછ્યું : 'ભગવાન કેટલા વખતમાં બંગલો આપે ?'

‘ધારે તો આ ક્ષણે આપે. ન ધારે તો આખા જીવનભર ન આપે. ધ્રુવને છ માસમાં પ્રભુ પ્રત્યક્ષ થયા. જેવી જેની ભક્તિ !' માએ ફિલસૂફી સમજાવી.

અશોકે નિશ્ચય કર્યો કે એ પણ છ માસ ધ્રુવની માફક જ એકચિત્ત બની પ્રભુ પાસે બંગલો ને બગીચો માગશે. માની સાથે અશોકે પણ દેવસેવામાં ચિત્ત લગાડ્યું, અને છ માસ અત્યંત શ્રદ્ધા અને આગ્રહપૂર્વક દેવની પૂજા કરી તેણે માને માટે બંગલો અને બગીચો માગ્યા કર્યા.

છ માસ વીત્યા, સાત વીત્યા, આઠ વીત્યા, છતાં અશોકના ક્ષિતિજમાં એકે બંગલો કે એકે બગીચો દેખાયાં નહિ.

એક દિવસ તેણે દેવસેવા કરતાં પૂછ્યું : 'મા ! હજી સુધી ભગવાને કાંઈ આપ્યું નહિ !'

'શું ? ભગવાને શું ન આપ્યું ? તે શું માગ્યું હતું ?' માએ પૂછ્યું.

'મેં માગ્યું હતું કે માને એક બંગલો અને બગીચો મળે.'

માતા હસી, પછી તેણે કહ્યું : 'આપણી ભક્તિ ઓછી હશે. પણ પ્રભુ પાસે આવું આવું ન માગીએ.'

'તો શું માગું ?'

'આ બધા ય લોકોનું કલ્યાણ થાય એવું માગવું.'

'માગ્યા વગર જ એ કેમ ન આપે ?'

'તો..ભગવાનની મરજી ઉપર બધું છોડી દેવું.'

કેટલીક વાર બાળકની દલીલો બહુ સાચી હોય છે, માબાપની દલીલ ખોટી હોય છે. બાળકોની દલીલમાં તેમને હારવું પડે છે. અશોકે આજ્ઞા માની; છ માસ પ્રભુને પોતાની માગણી ગ્રાહ્ય કરવાની તક આપી; અને અંતે રીસ ચઢાવી પ્રભુની ભક્તિ કરવી