પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પર : કાંચન અને ગેરુ
 

પણ તે શીવી આપતી હતી તે તેની નજર બહાર જાય એમ ન હતું, કદી કદી માતા ખાલી આકાશમાં જોઈ રહેતી; કદી કદી પ્રભુસેવામાં પ્રભુની મૂર્તિ સામે એકી નજરે નિહાળ્યા કરતી હતી; રાત્રે તેની નિદ્રા કેટલી ય વાર ઊડી જતી હતી. આ બધાં ચિહ્નો તેની ગરીબી તથા લાચારીનાં સૂચક હતાં તેનો ખ્યાલ અશોકને સ્પષ્ટ થતો ગયો.

જેમ જેમ તેની દુનિયા તેની નજર આગળ સ્પષ્ટ થતી ચાલતી તેમ તેમ તેનું હૃદય ખરું બનતું ચાલ્યું. અભ્યાસમાં આગળ આવવું એ જ તેને મન સાચો રસ્તો દેખાયો, એટલે વર્ગમાં ઊંચો ક્રમ રાખી તે શિક્ષકોમાં પ્રિય થઈ પડ્યો, અને શિક્ષકોએ પણ તેનું જ્ઞાન વધારવા તેને વાચન માટે પુસ્તક આપવા માંડ્યાં. શિક્ષકો બીજું આપી પણ શું શકે ?

એક પ્રગતિશીલ ગણાતા શિક્ષકે તેને વાંચવા માટે આપેલાં પુસ્તકોમાં એક મૂર્તિપૂજાનું વિરાધી પુસ્તક અશોકને મળી આવ્યું, અને અશોકનું માનસ એ પુસ્તકની–દલીલને વળગી પડ્યું. વિશ્વવ્યાપી પ્રભુ મૂર્તિમાં સમાઈ શકે જ નહિ. પૂજા-અર્ચા એ નિરર્થક વ્યવસાય છે સાચા પ્રભુને બદલે પથ્થર કે ધાતુનાં રમકડાંની પૂજા કરવાનું પાપ એમાં થાય છે. વેદમાં મૂર્તિ પૂજા નથી; મૂર્તિ કોઈનું રક્ષણ કરી શકતી નથી અને કોઈનું માગ્યું આપી શકતી નથી. મૂર્તિનાં તો કેટલાયે સુધારકોએ 'પેપરવેટ’ બનાવ્યાં; કેટલાં યે દેવલાંને સમજદાર માણસોએ કૂવામાં પધરાવી દીધાં; છતાં મૂર્તિથી કાંઈ થઈ શક્યું નહિ, અને ઈશ્વરે તેમને કશી સજા પણ કરી નહિ !

અશોકનું મન માગતું હતું તે તત્ત્વ તેને મળી ગયું !'

'મા ! આ દેવદેવીની પૂજામાં વખત બગાડવો નિરર્થક નથી ?' એક વાર તેણે પૂછ્યું.

'ના. તને કોણે કહ્યું? ' માએ પૂછ્યું.