પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રભુ છે ? :૫૯
 

મેં સંકલ્પ લીધો છે.'

'વકીલાતનું ભણી લે. તારી ઈચ્છા હોય તો મારે ત્યાં રહી "ટર્મ્સ" ભર.'

'પહેલાં વિચાર હતો; હવે એ વિચાર છોડી દીધો.'

'હવે તારી ફરજ એ રહી કે તારે તારી માને આરામ આપવો. એ મહાન માતાએ તારે માટે શું કર્યું છે. એનો તને કે મને કાંઈ જ ખ્યાલ આવે એમ નથી.'

'સાચું છે, સાહેબ ! પણ વ્યક્તિ કરતાં સમાજ મોટો; જનેતા કરતાં જનતા વધારે મહાન; નહિ ? હું જનતાની સેવા માટે સર્જાયો છું.'

'તું જાણે. પણ એમાં ભારે જોખમ છે. કદાચ મારી પાસેથી બહાર નીકળીશ એટલામાં જ એ જોખમ તને સમજાશે. તારી પ્રવૃત્તિઓ સરકારને ભયજનક લાગી છે.'

'એ હું જાણું પણ મારો માર્ગ નિશ્ચિત છે.'

સરકારનો માર્ગ પણ નિશ્ચિત હતો. ઓળખીતા પ્રધાનને નોકરીની ના પાડી બહાર નીકળેલા અશોકને પોલીસે પકડ્યો એના ઉપર કામ ચાલ્યું અને એને સરકાર વિરુદ્ધનાં કાવતરાં માટે ત્રણેક વર્ષની સજા થઈ. ઓછી સજામાં તેની ઉંમર અને પ્રધાન હરિશ્ચંદ્રરાયની છૂપી લાગવગ કારણરૂપ હતાં.

અશોકનું એક વર્ષ તો સરકાર સત્તા અને મૂડીવાદ સામેના ગુસ્સામાં ઠીક ઠીક વ્યતીત થયું અને કેદખાનાની મુશ્કેલીઓ તથા બંધન બહુ લાગ્યાં નહિ. પરંતુ બીજે વર્ષે તેનું ઊર્મિજીવન આછું આછું બહાર આવવા માંડ્યું. સાથીદારો, મિત્રો અને માતા ઊતરતી ચડતી કક્ષાએ તેને યાદ આવવા લાગ્યાં. ચોપડી વાંચતાં, પાણી ભરતાં જમતાં, કોટડી સાફ કરતાં, તેની સ્મૃતિમાં ભૂતકાળ આવીને ઊભો રહેતો. પોતાનો ક્રાન્તિકારી નિશ્ચય કદી કદી હલી જતો અને કાયરતાનાં ડરામણાં મોજાં હૃદય ઉપર પથરાઈ જતાં; છતાં એ સર્વ ઊર્મિલોલકોને