પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦: કાંચન અને ગેરુ
 

અશોક પાછાં સ્થિર કરી દેતો, અને રશિયા તથા જર્મનીના ક્રાંતિકારીઓનાં જીવન નજર સમક્ષ લાવી તેવી જ સ્થિરતાપૂર્વક જીવનમરણને હથેળીમાં રાખવાનો નિશ્ચય તે સૂતા પહેલાં કરી શકતો. આછું વાચન તેને વિચાર માટે ખૂબ ખૂબ સમય આપતું હતું. કેદખાનાની મહેનત પણ નિત્યજીવનની સરળતા પ્રાપ્ત કરી ચૂકી હતી, એટલે તેની ભાવિ યોજનાઓ બહુ નિશ્ચિત બનતી ચાલી.

છતાં એક ઊર્મિ–નિબળતા તેને સતાવ્યા કરતી હતી. પ્રેમ, જાતીય આવેગ, કામને તો એ પ્રથમથી જ તુચ્છકારપૂર્વક દૂર કરી શક્યો હતો. સ્ત્રી સૌન્દર્ય હજુ સુધી તેના હૃદયને ચોટ લગાવી શક્યું ન હતું. માત્ર તેની માતાનો વિચાર આવતાં તેના હૃદયમાં મેઘની આર્દ્રતા આવી જતી. નિષ્ક્રિયતા વિચારસૃષ્ટિને ઝડપથી વસાવે છે. એની નિષ્ક્રિયતાની સૃષ્ટિ મા વડે ઊભરાઈ જતી હતી. માએ એની ખાતર શું શું કર્યું હતું, અને શું શું નહોતું કર્યુ? માના ઉપવાસ, માના ઉજાગરા, માની મહેનત, એક પછી એક દૃષ્ટાંતોસહ તેની વિચારસૃષ્ટિમાં વસી જતાં.

એક પુત્રને ઉછેરતાં માતાનું જીવન ઘસાઈ ગયું ! ક્રાન્તિને ઉછેરતાં, ક્રાન્તિને ફલિત કરતાં કેટલી માતાઓનાં જીવન ન ઘસાય ? અશોકને લાગ્યું કે ક્રાન્તિપોષણમાં પણ તેની માતા જ દ્રષ્ટાંત બની રહેતી ! ક્ષણે ક્ષણે જીવન ઘસાતું નિહાળતી છતાં પુત્રનું પોષણ તે કર્યે જ જતી. માતા ક્રાન્તિપોષણની પ્રતીક શું ન હતી ? એણે ન બદલો માગ્યો, ન ભાવિની ખાતરી માગી; એણે અંગત સુખને તાળાં વાસી દીધાં !

ઘણી વાર નિરાશા સામે અથડાતાં એ સુનંદાની માનસિક મૂર્તિમાંથી આશ્વાસન અને ઉત્સાહ મેળવતો. ઘણી યે વાર એને માતાનાં સાચાં તેમ જ જાગૃત સ્વપ્ન આવ્યા કરતાં એક વાર ભારે નિરાશા અનુભવી. એણે માતાના દેહનું આહ્વાન કર્યું અને માતા એની વિચારસૃષ્ટિમાં પ્રગટ થઈ પુત્ર સાથે વાતો પણ કરવા લાગી !