પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રભુ છે? : ૬૩
 

નામસ્મરણ શરૂ કર્યું.

'મા ! તને થાક લાગશે. હું તને પ્રભુનામ સંભળાવું... હે નાથ ! હે ગોવિંદ ! હે નારાયણ !...' અશોકે સ્પષ્ટતાપૂર્વક પણ ધીમે ધીમે પ્રભુનાં તેને આવડતાં નામ ઉચ્ચારવાનું શરૂ કર્યું.

જરા રહી સુનંદાએ પુત્રનો હાથ પાસે લીધો અને આછું હસતાં ધીમેથી પૂછયું : 'અશોક ! તું તો પ્રભુમાં માનતો નથી ને?'

'મા ! પ્રભુમાં માનું છું.’

'કેમ ?... શું એવું બન્યું ?'

'મા | તારા જેવી મા મને પ્રભુ સિવાય કોણ આપે?' કહેતાં અશોકનો અવાજ બેસી ગયો.

'દીકરા ! મા કરતાં યે પ્રભુ...વધારે ઉદાર..છે...પ્રભુ.. તને ...' કહેતાં કહેતાં સુનંદાના મુખ ઉપર સ્મિત રમી રહ્યું અને એ સ્મિતભર્યુ મુખ રાખી દેહમાંથી તેનો જીવ ઊડી ગયો !

અશોક એક બાળક માફક રડ્યો.

એને ઈશ્વર ભલે જડ્યો નહિ. માના મૃત્યુમાં તેને એક પરમ વસ્તુ સાધ્ય થઈ. કોઈ અકથ્ય, અદ્ભુત, વ્યાપક ઉદારતા !

જેનું પ્રતીક મા હતી ! કદાચ એ જ ઈશ્વર હેાય તો? ઈશ્વરનું એક અગમ્ય પાસું!

ક્રાન્તિમાં પણ મા સરખી ઉદારતા, મા સરખી ક્ષમા વિકસે એમ અશોક પણ તે ક્ષણથી માનતો બની ગયો !

મા સરખી ક્ષમા અને અનુકંપા વગર ક્રાન્તિ પણ જંગલી બને તો? ક્રાન્તિને માતૃત્વની ભસ્મ તો જરૂર લગાડવી પડશે.

માની ચિતા પાસે બેઠો બેઠો અશોક વિચાર કરી રહ્યો :

ઈશ્વર ભલે ન હોય ! અગમ્ય સૌન્દર્ય, અગમ્ય ઊર્મિવિપુલતા, અગમ્ય ઉદારતા તો છે જ ! માના હૃદયની ! 'એ ન સમજાય એને ભલે લોકો ઈશ્વર કહે ! ' માની ભસ્મ કપાળે લગાડતાં અશોકે વિચાર્યું.