પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ જોઈએ

નાનકડા પણ સુસજજ ખંડમાં કાંઈ ઊનનું ભરત ભરતી કપિલા એકાએક થોભી ગઈ. હાથમાંનો સોયો અને ભરાતું વસ્ત્ર એમનાં એમ હાથમાં જ રહી ગયાં. વચ્ચે ઊનનો દોરો લટકી રહ્યો. એની આંખ ખુલ્લી હતી. પરંતુ એ ખુલ્લી આંખની દષ્ટિ પાસે પડેલી વસ્તુઓને નિહાળતી જ ન હતી. એ કોણ જાણે શું ય જોતી હશે ? ભૂતકાળના કોઈ ચમકતા પડદા ઉપર તેની નજર ઠરી હતી ? વિસારી દેવા યોગ્ય કોઈ કાળો ખૂણો તેની સમક્ષ આવી ખુલ્લો થતો હતો ? આવી સુંદર, સુઘડ, નિર્દોષ યુવતીની આંખ ખાલી અવકાશમાં કઈ સૃષ્ટિ નિહાળતી હતી ?

'કપિલા !'

કપિલાની સાસુએ ખંડમાં પ્રવેશ કર્યો, છતાં ખુલ્લી આંખે જોતી કપિલાએ સાસુને નિહાળી ન હતી. અંતે સાસુને સાદ કરવો પડ્યો !

કપિલા એક સૃષ્ટિમાંથી બીજી સૃષ્ટિમાં ઊતરી પડી હોય તેમ ચમકી ગઈ, અને જાગૃત થઈ. ઊનનું ઝબલું તેણે બાજુએ