પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈએ : ૬૫
 

મૂકયું, સોયો બાજુ મુક્યો અને એકાએક તે ઊભી થઈ બોલી : 'કેમ, મા?'

'પણ તું ચમકે છે શાને ? કશું થાય છે, દીકરી ? કે કાંઈ ઓછું આવ્યું?' સાસુએ પૂછ્યું. કપિલાની સાસુ અપવાદરૂપ હતી. દીકરાની વહુને તે સાચેસાચ લક્ષ્મી માનતી હતી.

‘ના, ના. અમસ્તું જ એ તો. મને આ ઘરમાં તે કાંઈ ઓછું આવે?' કપિલાએ જવાબ આપ્યો; છતાં વાક્યને અંતે કપિલાના ઉચ્ચારણમાં થડકાર આવ્યો અને એની આંખમાં પાણી ભરાઈ આવ્યું. સાસુએ એ થડકાર ઓળખ્યો અને આંખમાંનું પાણી નિહાળ્યું – જોકે કપિલાએ પાસે સૂતેલી બાળકીને વસ્ત્ર ઢાંકવાનો પ્રયત્ન કરી થડકાર અને આંસુ સંતાડવાનો પ્રયત્ન કર્યો ! બાળકી ઉપર વસ્ત્ર ઢાંકેલું જ હતું. એ કાંઈ હાલી ન હતી, જાગવાનો પ્રયત્ન કરતી ન હતી, એના મુખ ઉપર ફરતું સ્મિત પૂર્વજન્મના કોઈ સુખનું સંભારણું લાવી રહ્યું દેખાતું હતું ! છતાં આંસુ સંતાડતી કપિલાએ ઓઢણ ઠીક કર્યું.

'ચાની તૈયારી કરવા માંડ. હમણાં વિજય આવતો હશે. બેબી પાસે હું બેઠી છું.' સાસુને 'બેબી' શબ્દ ગમતો નહિ, તેમની ખાતરી હતી કે 'બેબી' કરતાં 'બબી' શબ્દ જરા પણ ખોટો ન હતા. અંગ્રેજોને બરાબર બોલતાં આવડતું ન હોવાથી જ તેમણે 'બબી' ની 'બેબી' કરી નાખી, અને અંગ્રેજોનું આંધળું અનુકરણ કરનારાં ભણેલાં કહેવાતાં માતાપિતાએ 'બબી' ને બગાડી 'બેબી' શબ્દ કરી નાખ્યો છે ! એમની માન્યતા અડગ હતી.

વિચારમાંથી કાર્યમાં પરોવવાનું કાપિલાને ગમ્યું. હજી વિજયને આવવાની સહજ વાર હતી. એણે રસોડામાં બધું રાચ ગોઠવી દીધું. પ્યાલારકાબી સાફ હતાં, છતાં તે ફરી સાફ કર્યા. ચમચા વધારે ચમકતા બનાવી દીધા, અને સ્ટવ સળગાવી પાણી ગરમ થવા મૂક્યું. સ્વટના ધમધમાટમાં તેણે બારણાનો આછો ખખડાટ સાંભળ્યો નહિ. બારણે ટકોરા માર્યા વગર વિજય ઘરમાં પ્રવેશતો ન હતો.