પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ : કાંચન અને ગેરુ
 


'મને યાદ નથી.'

'તો કહું. મારે તારો ભૂતકાળ જોવો નથી.'

'પણ આ તો ભૂતકાળ નજીકનું ભવિષ્ય બની, મારી પાસે, આજે અત્યારે જ વર્તમાન બની જાય છે.'

'તારી ફિલસુફીમાં મને સમજ નહિ પડે. લાવ, હું વાંચું !' કહી કપિલાના હાથમાંથી વિજયે કાગળ લીધો.

એ કાગળમાં તારના સમાચાર હતા. વાંચતાં એક ક્ષણ, અર્ધી ક્ષણ માટે વિજયના મુખ ઉપર સહેજ કઠોરતાની છાયા ફરી વળી, જે કપિલાને જ સમજાય એવી હતી. મુખ ઉપરની સ્વાભાવિક મૃદુતા પાછી જોતજોતામાં આવી અને વિજયે કહ્યું : 'ઓહો ! એ જ ને ? ભલે આવે ! હરકત શી છે? સુધાકર તો તારો જૂનો અંગત મિત્ર ! એને જમવા માટે રોકીશું....'

'વિજય ! તું યોગી છે કે પ્રેમી?' આશ્ચર્યભર્યા નયને કપિલાએ પૂછ્યું.

'એનો જવાબ તો કલાપી જેવો કોઈ કવિ આપે. જો તું સોગન ઉપર સવાલ પૂછતી હો તો હું ઈશ્વરને માથે રાખી કહું છું કે હું તો માત્ર એક શિક્ષક છું. નથી યોગી કે નથી પ્રેમી !'

'વિજય ! મારો આધાર !' કહી કપિલાએ વિજયના હાથને દબાવી છોડી દીધો.

'અત્યારે ચા સરખો મારે કે તારે બીજો એકે આધાર નથી. તું જો, હું કેમ બનાવું છું તે !' કહી વિજયે ફરી સ્ટવ સળગાવવા માંડ્યો; વિજયને કાંઈ ફાવ્યું નહિ. એક વખત તો ભડકો થતાં વિજય દાઝી જાત એમ લાગતાં કપિલા ઊઠી અને સ્ટવ રીતસર સળગાવી તેણે ચા તૈયાર કરી.

'કહે ! હું તારો આધાર કે તું મારો આધાર ?' વિજયે પૂછ્યું.

કપિલા કાંઈ પણ બોલી નહિ અને નીચું મુખ રાખી આગલા ખંડમાં સાસુ પાસે આખો ચાનો સરંજામ લઈ આવી. સહજ