પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈએ : ૬૯
 

થોભી વિજય પણ આગલા ખંડમાં આવી ચા પીવા બેઠો. માએ દીકરા અને વહુના મુખ ઉપર ઠીકઠીક છૂપી નજર પણ રાખી. રોજના સરખી સ્વાભાવિકતા આજે કપિલામાં ન હતી. અંતે તેમણે પૂછ્યું : 'કપિલા ! પેલો તાર કોનો આવ્યો હતો?'

'એ તો, મા ! મારા એક મિત્રનો હતો. એ આજે જ વિમાનમાં ઊડીને અહીં આવે છે.' વિજયે કપિલાને બદલે જવાબ આપ્યો.

'વિમાનમાં ઊડીને આવવા જેવું શું છે અહીં ?' માતાએ પૂછ્યું.

વિજયે કપિલા સામે જોઈ આછો ઇશારો કરી કહ્યું : 'એટલો પૈસો છે એની પાસે ! વિમાન એનું પોતાનું છે !'

'તેથી કપિલા ગૂંચવાઈ છે કે ? આવા મોટા મહેમાનની મહેમાનગીરી કેમ કરવી એ જરા ભારે લાગ્યું હશે ! પણ એમાં શું ? આપણાથી બને તે આપણે કરવું. એનું વિમાન ઓછું આપણા ઘરમાં મુકાય એમ છે?' કહી માતા ચા પી રહી બીજા ઓરડામાં ચાલ્યાં ગયાં.

'વિમાન સંભળાય છે એટલે સુધાકર જ આવતો હશે.' ખાલી આંખે જોતી કપિલાથી કહેવાઈ ગયું.

'પણ તેને આ ગભરાટ શો ?' વિજય બોલ્યો.

'એને આવતાં રોકાય એમ નથી ?'

'ભલે આવે.'

'એ મારું જીવન ઝેર કરવા આવે છે.'

'તારું જીવન ઝેર કરવાની તાકાત કોઈનામાં નથી – સિવાય કે તું અગર હું એમ કરીએ !'

કપિલા અસ્થિર ચિત્તે ઊભી થઈ અને બારીએ જોવા લાગી. વિજય પણ અંદરની ઓરડીમાં ગયો. બાળકી ઊઠી રમવા લાગી