પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦ : કાંચન અને ગેરુ
 

હતી. તે માતા પાસે ગઈ. માતા પાસે ભારે આવકાર ન મળતાં તે પિતા પાસે ગઈ. જરા વાર રહી વિજય કપડાં પહેરી બહાર આવ્યો. પાછળ છોકરી પણ સજજ બનેલી હતી : નાનકડી, ત્રણેક વર્ષની !

'તું ક્યાં જાય છે ?' કપિલાએ વધારે ગભરાટથી પૂછ્યું.

'હું જરા ગામમાં જઈ આવું. સુધાકરને જમાડવા માટે કાંઈ ચીજો પણ લાવવી પડશે ને?'

'મને એકલી મૂકીને તું ન જઈશ.'

'કપિલા ! શું છે આ બધું ? તને સુધાકરનો આ ડર શો ? કૉલેજ યુગનો તારો આત્મા ક્યાં ગયો? જો સુધાકર આવે તો તેને બેસાડજે. એને અહીં જમાડવાનો પણ છે. હું આવું છું.' કહી બાળકીને સાથે લઈ વિજય બહાર ગયો.

થોડી વારે સાસુએ પણ આવી કહ્યું : 'કપિલા ! હું જરા કથામાં જાઉં છું. તબિયત સારી ન હોય તે સુઈ રહેજે.' કહી તેઓ પણ બહાર નીકળી ગયાં. કપિલા એકલી પડી. આમતેમ ફરતાં બેસતાં તેને ચારપાંચ વર્ષ ઉપરનું કૉલેજ જીવન યાદ આવ્યું.

કેવી મસ્તી, મુક્ત આઝાદ, તે ફરતી હતી ! એને લગ્ન કરવું ન હતું ! એને પુરુષોની ગુલામી ઉઠાવવી ન હતી ! લગ્ન અને કુટુંબસંસ્થાને તોડીફાડી સંસ્થા રહિત સમાજ બનાવવાનાં સ્વપ્ન સેવતી હતી. સહચાર માગતા આકર્ષણને તે માત્ર દૈનિક ભૂખ જેટલાં જ તુચ્છ ગણતી હતી – સેવન કરી ફેંકી દેવા પાત્ર !

સુધાકર પણ એ જ વિચારને હતો; માટે કપિલાને તેની મૈત્રી ખૂબ ગમતી હતી. કપિલાની મૈત્રી સુધાકર માટે ભારે અભિમાનનો વિષય હતો. એ ચપળ, ટાપટીપ ભરેલો, ઝમકદાર યુવક, અંગ્રેજી નવલકથાઓ વાંચી ચબરાકીભર્યું અંગ્રેજી બોલતો. અરે ! પોતે ઘણો રમૂજી, સહુને હસે એવી બુદ્ધિવાળો, મહાન બનવાને સર્જાયેલો–નિદાન સહુને તુચ્છકારવાનો અધિકારી માનતો હતો. આશ્ચર્ય જેવું તો એ હતું કે એના નિર્માલ્ય સોબતીઓ પણ એના જ મતને ટેકો