પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈ એ : ૭૧
 

આપતા હતા.

યુવકો અને યુવતીઓ એવા પણ યુગમાંથી પસાર થાય છે કે જયારે તેમને ચારિત્ર્યશૈથિલ્યમાં દોષ દેખાતો નથી. એટલું જ નહિ; એમાં જ હિમ્મત, બહાદુરી, સાહસ અને બંડખોરપણાનો અર્ક હોય એમ લાગે છે. જૂના નીતિશાસ્ત્રને કે નીતિરૂઢિને અમે ગણકારતાં જ નથી. અને એમાં જ અમારા યૌવનની સાચી ખુમારી સમાયલી છે, એમ માની અનેક સાહસોમાં તેઓ ઊતરી પડે છે. અનિવાર્ય, લોખંડી કુદરત આવાં યૌવનોને હસતી તેમનો ભોગ લેતી જ જાય છે અને અંતે બંડખોર–યુવાન યુવતી મોટે ભાગે બંધન મનાતા લગ્નમાં પરોવાઈ જાય છે.

બી.એ.ની પરીક્ષા પસાર કર્યાનો આનંદ માણતી કપિલાને સુધાકર ઘણું એકાંત આપતો. એક દિવસ તેણે કપિલાને એકાંતમાં કહ્યું : 'કપિલા ! મને હવે સમજાય છે કે મારે અને તારે લગ્ન કરી નાખવાં !'

'મને પણ એમ લાગવા માંડ્યું છે. મને વાંધો નથી. તું કહે તે રીતે સિવિલ મેરેજ અગર આર્ય...'

'તું મને બરાબર સમજી નહિ. હું અને તું લગ્નમાં સાથીદાર નહિ બની શકીએ.' સુધાકરે કહ્યું.

'એટલે ?' ચમકીને કપિલાએ પૂછ્યું.

'એટલે એમ કે...વગર લગ્નના પ્રેમમાં ભારે જોખમ....એટલે કે “પ્રિવેન્ટિવ”..સંતતિનિરોધનાં સાધનો વધી ગયાં છતાં..'

'સુધાકર ! તું શું બકે છે? '

'ભૂલ સુધારવી રહી ને?'

'કોઈ છોકરી સાથે લગ્ન કરવું જ પડે એવો તેં સંજોગ ઊભો કર્યો છે, નહિ ?'

'લગભગ એમ જ...અને હું તજવીજ તો કરું છું કે વગર લગ્ને એ ભય પતી જાય...જો ત્યાં સુધી તું થોભી જાય તો સંભવ