પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭ર : કાંચન અને ગેરુ
 

છે કે હું તારી સાથે લગ્ન કરું...પણ... હું તને એટલો ચાહું છું કે લગ્ન ગમે ત્યાં કરીશ તો ય..'

'સુધાકર, તું તારા મહત્ત્વના કામમાં રોકાઈ જા. મને હવે મળવાની જરૂર નથી.' કડક મુખ કરી કપિલા બોલી.

'મળ્યા વગર તો રહેવાશે જ નહિ.'

'આજ સુધી હું તારું રમકડું હતી, નહિ?'

'પુરુષ અને સ્ત્રી એ કુદરત દીધાં પરસ્પરનાં રમકડાં જ છે.'

'મારે કોઈનું પણ રમકડું બનવું નથી.' કહી ઊભી થઈ કપિલા ત્યાંથી ચાલી ગઈ. જતે જતે માત્ર એણે સુધાકરના શબ્દો સાંભળ્યા : 'ભૂલ ન કરીશ. તું યે લગ્ન કરી નાખ.'

કપિલાનો દેહ કંપી ઊઠ્યો. સુધાકર તો ત્યાંથી ચાલ્યો ગયો, પણ કપિલાના હૃદયમાં એક મહા ભય મૂકતો ગયો. ધનિક માતા- પિતાનો સુધારક ગમે તે રસ્તો–પૈસો ખર્ચીને, લગ્ન કરીને પણ બચી જાય. સુધાકરની ધમકી સાચી પડે તો કપિલાએ ક્યાં જવું ? શું કરવું ? સામાન્ય સ્થિતિની માતા પણ દોઢ વર્ષની તેને એકલી મૂકી સ્વર્ગવાસી થઈ હતી ! હવે?

સ્ત્રીનું માનસ ભારે કલ્પનાઓનું સર્જક હોય છે. આઝાદી ચાહતી કપિલા, આઝાદીનો અવતાર બની ફરતી કપિલા કલ્પનાની ઉગ્રતાને લીધે જ પોતે આઝાદ બની ચૂકી એમ માનતી હતી. સુધાકરે કહેલો ભય તેના હૃદયમાં પ્રવેશ્યો, તે સાથે જ તેના તંગ માનસમાં અનેકાનેક સ્વપ્નો તરી આવ્યાં ! અને એ સ્વપ્નોની પરંપરાએ તેને મૂર્છિત બનાવી દીધી.

તંગ માનસને એક મૂર્છાએ કળ વળતી નથી. પછી તો એ ટેવ બની જાય છે.અતિ વિચાર દેહને વારંવાર પટકી નાખે છે. એના મિત્રો અને સહચારીઓએ એને વારંવાર મૂર્છિત બનતી નિહાળતાં તેને ડોકટર પાસે જવાની સલાહ આપી. એક બાનુ ડૉકટર પાસે કપિલા ગઈ. તેને તપાસી એ અનુભવી અને મધ્યવયી બાનુએ