પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ : કાંચન અને ગેરુ
 


'વિજય ! તું શું કહે છે?' કદી નહિ ધારેલા સ્વીકારથી ચકિત બનેલી કપિલાએ કહ્યું:

'હું હું વચન આપતો નથી; પણ આપું છું ત્યારે પાળું છું.'

‘વિજય ! તું મને ઓળખતો નથી. હું ઝેર પીવા કેમ તૈયાર થઈ હતી તે તું જાણતો નથી છતાં...!'

'જો, કપિલા ! હવે વધારે લાંબી વાત નહિ. અત્યારે મારામાં ઉદારતા ઉભરાય છે. તું કહે તો હું એક જાહેરખબર છપાવું કે ઝેર પીવા કરતાં મારી સાથે લગ્ન કરવું. જે જે ઝેર પીતી છોકરીને ફાવતું હોય તેણે મને ખબર આપવી.

કપિલા હવે ખરેખર હસી પડી. તેણે શીશી બાજુએ મૂકી અને કહ્યું : 'વિજય ! જરા બેસ.'

'હવે જે કંઈ થાય તે લગ્ન પછી...'

'પણ તારે કાંઈ વિરુદ્ધ દલીલ કરવી હતી ને?' વિજયનો હાથ ઝાલી તેને નીચે બેસાડી કપિલાએ કહ્યું.

'હવે દલીલનો ઉપયોગ નથી.'

'ધાર કે હું તને તારા વચનથી મુક્ત કરું તો?'

'તો પેલી શીશી મને આપી દે અને એક જ વચન આપ કે તું ઝેર કદી નહિ પીએ.'

'હું કદી ઝેર નહિ પીઉં. લે આ શીશી...' કહી કપિલાએ શીશી તેને આપી. વિજયે દૂર ફેંકી તેને ઢોળી ફોડી દીધી.

'તો હું તને હવે તારે ઘેર પહોંચાડું ?'વિજયે કહ્યું.

'કેમ ?'

'તેં મને મારા વચનથી મુક્ત કર્યો....'

'ના, ના, ના. એ તો માત્ર ધારવાનું. તારી દલીલો યોગ્ય લાગે તો કદાચ મુક્ત કરું; તે પહેલાં નહિ. કહે, શી દલીલ છે ?'

'એક નહિ, અનેક દલીલ છે.’

'કહે તો ખરો ? '