પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈએ : ૭૭
 


'એક તો એ કે તું મને પરણીશ તો તારે સાસુનું મોટું સાલ ઊભું થશે. મારે મા છે તે મારી જોડે જ રહે છે.'

'સાસુને હુ મનાવી લઈશ.'

'ઇતિહાસમાં એ હજી એક દાખલો બન્યો નથી. વિચાર કર.'

'વિચાર કર્યો. એ દલીલ ગ્રાહ્ય નથી.'

‘વારુ. બીજી દલીલ એ કે હું માત્ર સામાન્ય શિક્ષક જ છું. હું નથી અમલદાર, નથી વકીલ, નથી મિલમાલિક, નથી નેતા. લોકો મને “માસ્તર” “માસ્તર” કહી બોલાવે છે. પરણ્યા પછી એ તને જરા ય ગમવાનું નથી.'

'એની મને હરકત નથી. હું જાણું છું તું શિક્ષક કેમ થયો છે તે. એક વખત હું પણ તારા એ શિક્ષક બનવાના નિશ્ચયને હસતી હતી; હવે હું નહિ હસું. બીજા હસશે તેની મને પરવા નથી.'

'અને મને જિંદગીભર પૈસો મળવાનો નથી.'

'હું પૈસા વગર ચલાવીશ.'

'હવે, બીજી એક દલીલ રહી. પણ એ સાચી હોવા છતાં કહીશ તો મારી નીચતા દેખાશે.'

'કહે, મારા સોગન !'

'હું અને તું એકબીજાને દૂરથી ઓળખીએ. તેં મારામાં રસ લીધો નથી, મેં તારામાં રસ લીધો નથી. મારે અને તારે કશી મૈત્રી નથી. સ્નેહની જેમાં ખાતરી નથી એવા લગ્નનું જોખમ તું ઉઠાવે એ કેમ બનવા દેવાય ?'

'તેં બાળલગ્ન કર્યું હતું એમ માનજે; હું ગળે પડી તને પરણી છું એમ માનજે. એ સિવાય બીજી કોઈ દલીલ ?'

'બીજી દલીલ તો હવે તું શોધી કાઢે ત્યારે !' કહી માથે હાથ દઈ વિજય બેઠો.

કપિલા વિજય સામે જોઈ રહી, તેનું હૃદય હાલી ઊઠ્યું.