પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮ : કાંચન અને ગેરુ
 


આવા સજજન તરીકે ઓળખાતા સજ્જન તરીકે પુરવાર થઈ ચૂકેલા યુવાનને તે ભારણરૂપ બનતી હતી, તેની સજ્જનતાનો એ દુરુપયોગ કરતી હતી એમ તેને લાગ્યું. એણે ભારે હૈયે, ચિરાતા હૃદયે કહ્યું : 'વિજય ! એક દલીલ છે. એ દલીલ તને માન્ય હોય તો હું તને તારા વચનથી મુક્ત કરું છું.'

વિજયે કપિલાની સામે જોયું. અત્યાર સુધી વિજય એક યુવતીનું જીવન બચાવવાની રમત કરતો હતો. આ ક્ષણે જ તેને લાગ્યું કે કપિલા તરફ તેને કોઈ અકથ્ય ભાવ ઉદ્ભવ્યો છે કપિલા તેને વચનથી બાંધી રાખે એમ જ તેને ઈચ્છા થઈ. તેણે સહજ કહ્યું : 'તો એ દલીલ જ જવા દે ને ?'

'એ દલીલ જતી કરું તો મારી નીચતા વધી જાય, વિજય ! મારો ભૂતકાળ તને ખબર છે?'

'કપિલા ! તારો ભૂતકાળ મારે ન જોઈએ. તારું ભવિષ્ય પણ મારે જોવું નથી. તારો વર્તમાન હું ચલાવી લઈશ. સહુના ભૂતકાળ ઝેર પીવા જેવાં જ હોય છે, માટે એની વાત જ ન કરીશ.'

'એ હું કહીશ નહિ ત્યાં લગી...'

કપિલાના મુખ ઉપર વિજયે હાથ મૂકી દીધો...અને લગ્ન ન કરવાનો નિશ્ચય કરી શિક્ષણને સર્વસ્વ સોંપી બેસનાર વિજયે કપિલા સાથે લગ્ન કર્યું. બન્નેને લાગ્યું કે તેમણે આઝાદીનો જરા ય ભોગ આપ્યો નથી.

આ આખી સૃષ્ટિ કપિલાની આંખ આગળ પુનરાવર્તન પામી, અને મોટર કારનું ભૂંગળું સંભળાયું. કપિલાનું હૃદય ધડકી ઊઠ્યું. જેને મળવું ન હતું, જેને મળવાની કદી ઈચ્છા પણ રાખી ન હતી, તે જ સુધાકર તેને મળવા આવતો હતો ! બેશરમ !

પરંતુ કપિલાનું ઉગ્ર તેજ શાન્ત પડી ગયું હતું. એક સમય