પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈએ : ૭૯
 

હતો કે જ્યારે તે વણ ઈચ્છયા પુરુષને ધક્કો મારી કાઢી મૂકવાની તાકાત ધરાવતી હતી. આજે તેનું જ હૃદય ધબકી ઊઠતું હતું. અને બહારથી વિજય આવ્યો ત્યારે સુધાફર સામે જરા ય નજર નાખ્યા વગર રસહીન વાત કરતી કપિલા કાંઈ ચાના પ્યાલા અને નાસ્તો મૂકી રહી હતી. વિજયની પાસે બાળકી હતી તે પોતાની માતા પાસે દોડી ગઈ, અને વિજય કહ્યું : 'માફ કરજે, સુધાકર ! ઘર નાનું છે, અને બીજો ખંડ નથી; એટલે અહીંથી જવું પડે છે. મજામાં છે ને?

'જરૂર ! કપિલાને મળવા તો હું વિમાનમાં આવ્યો. શોફરને તારું ઘર જ ન જડે એટલે જરા વાર થઈ...પછી તું તો માસ્તર જ રહ્યો, નહિ ?' સુધાકરે છટાબંધ, ધનસંપત્તિની છાલકો વાગતી દેખાય એવી ઢબે જવાબ આપ્યો.

'જો ને સુધાકર ! બધા જ વિમાન અને કાર માણે તો કોઈએ તો માસ્તર થવું રહ્યું જ ને ?'

'ભાઈ ! તું તો પહેલેથી જ આદર્શવાદી...ધૂની ! એ ધૂન હવે મટી હોય તો મને કહેજે, હું તને આંખ મીંચી ઉઘાડતામાં લખપતિ બનાવી દઉં !' કહી સુધાકરે ગર્વથી કપિલા સામે જોયું.

'એવું હશે તો કહીશ. પણ હજી ધૂન મટી નથી, અને આંખ મીંચી ઉઘાડતાં બરાબર લખપતિ બની જવાય એવો જાદુ હજી ગમતો નથી...'

'તારી વાત તું જાણે ! પણ તેં આ કપિલાને કેવી બનાવી દીધી છે?'

'એટલે ? કોલેજમાં હતી એના કરતાં વધારે રૂપાળી લાગે છે, મને તો !'

'પણ એનો જુસ્સો ક્યાં ગયો ? એની આગ ક્યાં ગઈ? એનું તેજ ક્યાં જતું રહ્યું ? '

'તેં લે હજી પૂછ્યું નહિ? તું આવ્યો ક્યારે ?'