પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા

સુનંદ એક મહાકવિ થવાની આગાહી આપતો કવિ હતો.

હવેના મહાકવિઓ મહાસાહિત્યકાર પણ બની શકે છે – એટલે કે સુનંદ નાનીમોટી વાર્તાઓ પણ લખતો, નાટકો પણ લખતો અને ઊર્મિપ્રેરક લેખો પણ લખતો. એની નાનકડી કવિતા સામયિકમાં આવતાં સામયિકના તંત્રીઓ પોતાને ધન્ય માનતા; અને એના નામ નીચેના લેખો વાંચવા જનતા તલપી રહેતી. જનતા માત્ર નહિ, પણ વિદ્વાનની ભમ્મર પણ સુનંદનો લેખ વાંચતાં જરા સ્થિરતા ધારણ કરતી — તેમની ભમ્મરો ચઢી જતી નહિ.

પૈસા? ગુજરાત હજી વિદ્વતા કે કલાને પૈસા આપી શકતું નથી. છતાં સુનંદને અપવાદના પડછાયા તરીકે ગણી શકાય. તેની હિમ્મત ચાલે તો તે લખાણમાંથી ગુજરાન પણ મેળવી શકે એવો સંભવ ખરો ! સુનંદ તેવા અખતરા કરવા પોતાની નોકરીમાંથી લાંબી રજાઓ પણ લેતો, અને લેખોમાંથી કેટલું દ્રવ્ય મળી શકે તેનો અંદાજ પણ કાઢતો.

પરંતુ દ્રવ્ય એને મન મહત્ત્વની વસ્તુ હતી જ નહિ. એને મન