પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈએ : ૮૩
 

પણ હશે. “બેબી ” શું બરાબર એવી નથી લાગતી?' સુધાકરે છેલ્લું ઝેર રેડ્યું.

કપિલાના અંગેઅંગમાં થડકાર વ્યાપી ગયો. વિજયે બાળકીને પોતાની પાસે લીધી અને હસતે મુખે સુધાકરની સામે ધરી પૂછ્યું :

'બહેન ! જો તને ચોકલેટ આપે. તું માગીશ તે તને આપશે. કારમાં બેસાડશે ! જાઓ, એમની પાસે બેસો !'

સુધાકરે હસતું મુખ કરી સામે સમર્પાતી બાળકીને લેવા પ્રયત્ન કર્યો. ગૂંચવાયેલી બાળકીને કાંઈ સમજ ન પડી. પિતાને જાણે ઝૂંટવી લેતા સુધાકરના મુખ ઉપર નાનકડા હસ્તે એક લપડાક લગાવી વિજયના હસ્તમાં તે પાછી લપાઈ ગઈ.

સુધાકર ઝાંખો પડ્યો છતાં વધારે ઝેરભર્યો ડંખ દેતો હોય તેમ તે બોલ્યો :

'આ તો કૉલેજની કપિલા જ બાળકી બની આવી જાણે !'

'સુધાકર ? કપિલાના ભૂતકાળમાં ન જવાનું મેં પણ લીધું છે; તને ખબર ન હોય તો જાણી લે !' વિજયે મુખ ઉપર સખ્તાઈ લાવી કહ્યું.

હાર્યા જુગારીના બેફામ સાહસથી સુધાકરે જવાબ વાળ્યો :

'એ તે બરાબર પણ લીધું છે ! તને કપિલાના ભૂતકાળની શી ખબર? સોમપાન સહુને લભ્ય નથી.'

બાળકીને નીચે મૂકી વિજયે બંને હાથની બાંહ્ય ઊંચી ચડાવી. કૉલેજ યુગમાં વિજયની એક અજેય કસરતબાજ તરીકેની ખ્યાતિ હતી તે સુધાકર તેમ જ કપિલાને યાદ આવી. બન્નેનાં હૃદય ધડકી ઊઠ્યાં. વિજયે સુધાકરના સફાઈદાર કોટને ગળા આગળથી પકડી એક જ ઝપાટે સુધાકરને ઊભો કરી દીધો, અને તેની સામે એકી ટશે નિહાળી કહ્યું : 'સુધાકર ! કપિલાનો ભૂતકાળ હું જાણું છું. તને સંભળાવું : કપિલા એક રંગીન, રોમાંચક, આકર્ષક, તેજસ્વી યુવતી હતી; ખરું ? ભૂલ હોય તો કહેજે.'