પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈએ : ૮૫
 

કપિલા અને હું કયારનાં યે પી-પચાવી ગયા છીએ. હવે રમત કરવી હોય તો બીજે કરજે, અહીં નહિ ! છોકરીની ધોલ ખાનાર ઉપર હું હાથ ઉપાડતો નથી. નહિ તો...ઉઠાવ પગ? પાજી !' કહી વિજયે જબરદસ્ત ધક્કો માર્યો અને સુધાકર પડતો આખડતો ઝડપથી દાદર ઊતરી ચાલ્યો ગયો.

મોટરનું ભૂંગળું વાગતાં બાળકી બારી પાસે દોડી ગઈ.

કપિલાએ પાણીને પ્યાલો વિજય પાસે ધર્યો. પાણી પીતે પીતે વિજયે પૂછ્યું : 'કપિલા ! હવે તને શાન્તિ થઈ?'

'શાન્તિ શી બાબતની ?'

'તારો ભૂતકાળ કહેવા તું બહુ આતુર હતી. મારે તો સાંભળવો ન હતો, છતાં તે કહેવાઈ સંભળાઈ ગયો. હવે કાંઈ બાકી નથી ને?' વિજયને મસ્તકે હાથ ફેરવી તેને માટે ચાનો પ્યાલો તૈયાર કરી કપિલાએ વિજય પાસે મૂક્યો અને તે સહેજ દૂર જઈ એક પત્ર લખવા બેઠી. વિજય કાંઈ બોલ્યો નહિ. કાગળ લખી રહી કપિલાએ પૂછ્યું : 'વિજય ! કોને પત્ર લખતી હોઈશ?'

'સુધાકરને.'

'એમાં શું લખ્યું હશે?'

'ફરી આવવાનું.'

'તારામાં દિવ્ય દૃષ્ટિ છે ! ખરેખર એમ જ લખ્યું છે, અને વધારામાં એને ધન્યવાદ પણ આપ્યો છે કે એ મને છોડી ન ગયે હોત તો હું મારા વિજય સરખો જીવનસાથી ક્યાંથી પામી હોત?'

કપિલાના મુખ ઉપર શાંતિભર્યો પ્રકાશ છવાયેલો હતો.

'એની નીચે હું પણ સહી કરી આપું!' વિજયે કહ્યું.

'લે, સહી કર...વાંચીને.' કપિલાએ પાસે આવી પત્ર વિજય પાસે મૂક્યો.

વિજયે પત્ર વાંચ્યો, અને તે હસ્યો. હસીને કપિલા સામે તેણે જોયું. કપિલા વિજયના મુખ સામે તાકીને જોતી હતી.