પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘુવડ

આઝાદ હિંદ ફોજમાં કોઈ ગુજરાતી હતો જ નહિ એવી માન્યતા ભૂલભરેલી છે. બર્મા–મલાયાના ગુજરાતીઓએ માત્ર પૈસા આપી આઝાદ હિંદ ફોજથી છૂટાછેડા મેળવ્યા એમ કહેનારને હું મારું દ્રષ્ટાંત આપું છું. હું યુદ્ધ ખેલતાં શહીદ થયો નથી એ વાત ખરી. શાહનવાઝ, ભોંસલે કે સહગલ સરખા મુકદ્દમાઓએ પ્રતિષ્ઠિત બનાવેલા સેનાનીઓ કે સેનાપતિઓમાં મારું સ્થાન નથી એ વાત ખરી છે. 'ઝાંસીની રાણી' કહેવાતી કૅપ્ટન લક્ષ્મીની માફક હું કઈ રંગીન સ્ત્રી નથી કે જેથી ફોજને આશ્રયે રહી લગને લગને કુંવારા રહેવાનો લહાવો હું મેળવી શકું, અને લોકોનું લક્ષ્ય પણ ખેંચી શકું. છતાં હું બર્મા–મલાયાની આઝાદ હિંદ ફોજમાં લશ્કરી હતો એ વાત ચોક્કસ છે. મેં જંગલવાસ કર્યો છે, ભયંકર રાત્રિઓનાં એકાંત અનુભવ્યાં છે, અને વાઘની વચમાં હું સૂતો છું અને પળે પળે મૃત્યુને નિહાળતો હું આજ સુધી મૃત્યુથી બચ્યો પણ છું — કદાચ યુદ્ધ સિવાય પણ મૃત્યુ માનવીને ઝડપે છે એવું ગુજરાતપ્રિય દ્રષ્ટાંત બનવા માટે !