પૃષ્ઠ:Kankavati.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"સારું જ તો બેન, પૂછતી આવીશ !" એમ કહીને બાઈ તો આગળ ચાલી છે. જાતાં જાતાં એને તો આંબો મળ્યો છે. આંબો તો પૂછે છે કે "બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ !"

"હું તો જાઉં છું શીતળા માને ગોતવા."

"ત્યારે તો બાઈ, મારો યે સંદેશો પૂછતી આવીજે ને ! આ મારું સવા સવા શેરનું ફળ : નાળિયેર નાળિયેર જેવડી કેરીઓ ટીંગાય; તો ય એની ચીર પણ કોઈ ચાખે નહિ. એવાં તે મારાં શાં પાપ હશે ?"

"સારું જ તો ભાઈ, તારો સંદેશો ય પૂછતી આવીશ !"

વળી આગળ જાય ત્યાં તો માર્ગે બે પાડા વઢે છે. કોઈથી છોડાવ્યા છૂટે જ નહિ; વઢતા વઢતા લોહીઝાણ થઈ ગયા છે પાડા કહે કે "બાઈ બાઈ બેન, અમારો યે સંદેશો શીતળામાને પૂછતી આવજે ને ! અમે તે ઓલે ભવ શાં પાપ કર્યાં હશે કે બારેય પો’ર ને બત્રીસેય ઘડી બાધ્યા જ કરીએ છીએ ?”

“સારું, બાઈ !”

એમ કહીને બાઈ તો હાલી જાય છે. ત્યાં તો બોરડીને થડ શીતળા માતા પડ્યાં પડ્યાં લોચે છે. માતાજી પૂછે છે કે “બાઈ બાઈ બેન, ક્યાં જાછ ?”

“હું તો જાઉં છું શીતળા માને ગોતવા. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે.”

“બાઈ, શીતળાને તું દીઠ્યે ઓળખ કે ત્રૂઠ્યે ?”

“ના રે, બાઈ દીઠ્યે ના ઓળખું કે ત્રૂઠ્યે ઓળખું !”

“ત્યારે બાઈ મારું માથું જોતી જા ને ?”

“લ્યો ને માડી, મારે તો મોડા ભેળું મોડું !”

“લાવ તારો છોકરો મારા ખોળામાં.”

માતાજીએ તો છોકરો પોતાના ખોળામાં લીધો છે. બાઈ તો શીતળા માનું માથું જોવા મંડી છે. જેમ જેમ માથું જોવે છે તેમ તેમ છોકરો પણ સળવળતો જાય છે. માથું જોવાઈ રહ્યું એટલે માતાજીએ તો કહ્યું છે કે “ બેન, તારું પેટ ઠરજો ! આ લે, આ છોકરો ધવરાવ.”

જ્યાં બાઈ છોકરાને હાથમાં લે ત્યાં તો છોકરો સજીવન દેખ્યો છે.

આ તો શીતળા માતા પોતે જ લાગે છે. એમાં સમજીને બાઈ તો પગે પડી છે. તળાવડીનો સંદેશો પૂછ્યો છે.

માતાજી બોલ્યાં કે “એ બેય જણીઓ ઓલ્યે ભવ દેરાણી-જેઠાણી હતી; એને ઘર તો દૂઝાણાંવાઝાણાં હતાં. તોય બે જણી ખાટી છાશ મોળી છાશ ભેળવીને પાડોશીને દેતી’તી. એટલે આ ભવ તળાવડિયું સરજી છે. પણ એનાં પાણી કોઈ ચાખતું યે નથી. હવે તું જઈને છાપવું ભરી એનું પાણી પીજે એટલે સહુ પીવા માંડશે.”

બાઈએ તો મગરમચ્છનો સંદેશો પૂછ્યો છે.