પૃષ્ઠ:Kankavati.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માતાજી તો બોલ્યાં છે કે “ઈ હતો ઓલે ભવ વેદવાન બામણ : ચારેય વેદ મોઢે કર્યા’તા. પણ એણે કોઈને વેદ સંભળાવ્યા નહિ. એટલે આ ભવ મરીને મગરમચ્છ સરજયો છે. વિદ્યા કોઠામાં સમાઈ જઈને સડસડે છે. એટલે એ પડ્યો પડ્યો લોચે છે. હવે તું જઈને એના કાનમાં વેણ કહેજે એટલે એ લોચતો મટી જાશે.”

બાઈ એ તો ઘંટીના પડવાળી સાંઢડીનો સંદેશો કહ્યો છે.

માતાજી તો બોલ્યાં છે, “ઈ હતી ઓલે ભવ એક બાયડી. એને ઘેર ઘંટી હતી. પણ કોઈને ઘંટીએ દળવા દેતી નહોતી. એટલે મરીને સાંઢડી સરજી છે. ઘંટીનું પડ ગળે બાંધ્યું છે ને બાર ગાઉમાં ભમ્યા કરે છે. હવે તું જઈને એને હાથ અડાડજે. એટલે ઘંટીનું પડ વછૂટી જાશે.”

બાઈ એ તો આંબાની વાત પૂછી છે.

માતાજી તો બોલ્યાં છે કે “ઈ આંબો ઓલે ભવે વાંઝિયો હતો. બહુ માયાવાળો હતો, પણ બેન્યું-દીકરિયુંને કાંઈ દીધું નહિ, એટલે આ ભવ મરીને આંબો સરજયો છે, ને એનાં ફળ કોઈ ખાતું નથી. હવે તું જઈને એની ચીર ચાખજે. એની હેઠળથી માયાના સાત ચરુ કાઢી લેજે. એટલે સહુ એની કેરિયું ખાશે.”

બાઈ એ તો બે પાડાની વાત પૂછી છે.

માતાજી કહે “ઈ બે જણા ઓલે ભવ ગામના પટેલિયા હતા. બાધી બાધીને આ ભાવે પાડા સરજ્યા છે. તું જઈને હાથ અડાડીશ ત્યાં બેયનો છુટકારો થઈ જશે.”

બાઈ તો માતાજીને પગે પડીને હાલી નીકળી છે. માર્ગે દૂધ જેવો દીકરો રમાડતી જાય છે.

માર્ગે પાડા મળ્યા તેને હાથ અડાડ્યો ત્યાં તો બેયનો છુટકારો થઈ ગયો છે.

આગળ હાલી ત્યાં આંબો મળ્યો છે. આંબાને કહે, “ભાઈ, તું જરા ઊંચો થા એટલે તારી હેઠળથી સોનાના ચરુ કાઢી લઉં.”

આંબો ઊંચો થયો છે. બાઈએ તો સોનાના સાત ચરુ કાઢ્યા છે, આંબાનું ફળ ચાખ્યું છે, એટલે સૌ પંખીડાં આવીને આંબાની ડાળે બેસી જાય છે.

માયા લઈને બાઈ તો હાલી જાય છે. સાંઢડી મળી છે. એને ગળે હાથ અડાડ્યો ત્યાં ઘંટીનું પડ વછૂટી ગયું છે.

વળી આગળ હાલી ત્યાં મગરમચ્છ પડ્યો પડ્યો લોચે છે. જઈને એના કાનમાં વેણ કીધું છે. મગરમચ્છને તો તરત કોઠામાં ટાઢક વળી છે.

વળી હાલે ત્યાં બે તળાવડી મળી છે. છાપવું ભરીને બાઈએ તો બેયનાં પાણી પીધાં છે. ત્યાં તો પશુ-પંખી પણ પાણી પીતાં થયાં છે.

પાદર ગઈ ત્યાં ગાય ઊભી છે. ગાયને તો બાઈ પોતાને ઘેર દોરી ગઈ છે.