પૃષ્ઠ:Kankavati.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શંકર કહે, " જોયું ! મેં તમને નહોતાં વાર્યાં ? હવે હું આંહીં પાણી ક્યાંથી લાવું ?"

પારવતીજી કહે કે "હોય તો ય લાવો ને ન હોય તો ય લાવો; લાવો ને લાવો."

મહાદેવજી તો ઝાડની ડાળે ચડ્યા છે. ચડીને ચારે કોર જોયું છે. આઘેરા કાગડા ઊડતા જોયા છે. છેટેથી પાણી તબકે છે.

"જાઓ પારવતીજી, સામે વીરડો દેખાય છે, ત્યાં જઈને ત્રણ ખોબા પાણી પીજો, ચોથો ખોબો પીશો મા, પીશો તો પસ્તાશો."

પારવતીજી તો વીરડાને માથે ગયાં છે. મોતી જેવાં રૂપાળાં પાણી ભર્યાં છે. એમાંથી એક ખોબો પીધો. બીજો ખોબો પીધો, ત્રીજો ખોબો પીધો.

તોય તરસ છીપતી નથી, પેટમાં સંતોષ વળતો નથી, એટલે પારવતીજીએ તો ચોથો ખોબો ભર્યો છે. ભરીને બહાર કાઢવા જાય ત્યાં તો હાથમાં કંકુની પડીકી ને નાડાછડી આવ્યાં છે. એની આંગળી એ તો દોરા દોરા અટવાઈ જાય છે.

પારવતીજીને તો કોત્યક થયું છે. દોરા હાથમાંથી નીકળતા અન્થી. એમ ને એમ હાથ લઈને શંકર પાસે આવ્યાં છે.

"જુઓ પારવતીજી, મેં તમને નહોતું કહ્યું કે ચોથો ખોબો પીશો મા !"

"હે સ્વામીનાથ, મારી ભૂલ થઈ. હવે આ દોરાનું શું કરવું ?"

"હવે એનું વ્રત ચલાવવું પડશે. ચાલો પડખેના ગામડામાં."

ઈસવર-પારવતીજી તો ચાલ્યાં છે, એમ કરતાં તો ગામ આવ્યું છે. શંકર કહે, "હે પારવતીજી હું અહીં પાદર બેઠો છું. તમે ગામમાં જાઓ અને દોરા આપો."

"હે મહારાજ, દોરા કેવી રીતે આપું ?"

શંકરે તો પારવતીજીને દોરો દેવાની રીત શીખવી છે. "લ્યો દોરા ! લ્યો મા'દેવજીના દોરા !" એમ બોલતાં બોલતાં સતી ગામમાં જાય છે. ગામને પાદર કુંભારવાડો છે. સામું જ એક કુંભારનું ઘર છે. ઊંબરામાં કુંભારણ બેઠી છે. કુંભારણ પૂછે છે કે "બાઈ, બાઈ, શાના દોરા છે ? દોરા લીધ્યે શું થાય?"

"દોરા તો મા'દેવજીના છે. દોરા લીધ્યે નોંધનિયાંને ધન થાય, વાંઝિયાંને પૂતર થાય, મંછાવાંછા પૂરી થાય. મા'દેવજી સૌ સારાં વાનાં કરે."