પૃષ્ઠ:Kankavati.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ના રે બાઈ, મારે દોરા નથી લેવા. મારે તો બધું ય છે. સામે ખોરડે જા, મારી શોક્ય રે'છે. ઈ કામણ ટૂંમણ કરે છે, દોરા ધાગા કરે છે. જા, ઈ તારા દોરા લેશે."

"દોરા લ્યો, દોરા ! મા'દેવજીના દોરા લ્યો !" એમ સાદ પાડતાં પાડતાં પારવતીજી સામે ઓરડે જાય છે. ત્યાં કુંભારની અણમાનીતી વહુ બેઠી છે, એણે તો પૂછ્યું કે, "બાઈ બાઈ બેન, શેના દોરા આપછ ? ઈ દોરા લીધ્યે શું થાય ?"

"દોરા તો છે મા'દેવજીના. ઈ લીધ્યે નોંધનિયાંને ધન થાય, વાંઝિયાંને પૂતર થાય, મા'દેવજી મંછાવાંછા પૂરી કરે. સૌ સારાં વાનાં થાય. દોરાંના તો વ્રત લેવાય."

કુંભારણ તો પૂછે છે કે "બાઈ બાઈ, વ્રત કહે, વ્રતની વિધિ કહે."

"શ્રાવણ માસ આવે, અંજવાળિયું પખવાડિયું આવે, ચારે સરે, ચારે ગાંઠે દોરા લેજે, નરણાં ભૂખ્યાં વાર્તા કરજે; વાર્તા ન કરીએ તો અપવાસ પડે."

"બાઈ બાઈ, વ્રત કહે, વ્રતનું ઊજવણું કહે."

"કારતક માસ આવે, અંજવાળિયું પખવાડિયું આવે, વ્રતનું ઊજવણું કરજે, શેર ઘી ગોળ : ચાર શેર લોટ : છ શેરના ચાર મોદક કરજે. એમાં એક મોદક મા'દેવજીને જઈને મેલજે."

બાઈએ તો દોરો લીધો છે. વ્રત કરવા માંડ્યા છે. ત્યાં તો ધણી ઘેર નહોતો આવતો તે આવતો થયો છે. બાઈને તો ઓધાન રહ્યું છે, નવમે માસે દૂધમલ દીકરો આવ્યો છે. દીકરો તો દીએ ન વધે એટલો રાતે વધે છે, અને રાતે ન વધે એટલો દીએ વધે છે. એ તો અદાડે ઊઝર્યો જાય છે.

એમ કરતાં તો દોરાનું ઊજવણું આવ્યું છે. મા દીકરાને કહે કે "જા ભાઈ, સામે ચાકડે તારો બાપ બેઠા છે, તાંસલી લઈને જા, ભાઈ, તે તને ઘી-ગોળ અપાવશે."

બાપે તો દીકરાને ઘી ગોળ અપાવ્યાં છે. બાઈ એ તો લાડવાં કર્યા છે. એક લાડવો દીકરાને આપી કહે છે કે "જા, જઈને મા'દેવજીને મૂકી આવ."

દીકરો તો તાંસળીમાં લાડવો લઈને મા'દેવજી પાસે જાય છે. ઊભો ઊભો કહે છે કે " લે, મા'દેવ, લાડવો, લે મા'દેવ, લાડવો !"

પૂજારી તો હસીને કહે કે "મૂરખા રે મૂરખા ! મા'દેવજી કંઈ હાથોહાથ લાડવો થોડો લેવાના હતા ! સહુ આ ચરુમાં મૂકી જાય છે તેમ તું પણ મૂકી જા."

"ના, ના, મારો લાડવો તો મા'દેવ હાથોહાથ લેશે તો જ દેવો છે. નીકર હું લાડવો પાછો લઈ જઈશ."

ત્યાં તો મા'દેવજીએ હાથ કાઢીને હાથોહાથ લાડવો લીધો છે. પૂજારીઓ તો વિસ્મે થઈ ગયા છે. ઓહોહોહો ! આપણે તો પૂજા કરી કરીને થાક્યા તોય મા'દેવે દર્શન ન દીધાં. અને કુંભારના છોકરાના હાથનો લાડવો તો હાથોહાથ લીધો !

છોકરો તો પાછો જાય છે. સામા ઘરના ઊંબરામાં તો અપર મા બેઠી છે.

"આવ ને, દીકરા !" કહીને અપરમાએ તો છોકરાને બોલાવ્યો છે. ઘરમાં લઈ જઈ, કચરડી મચરડી, નીંભાડાનાં માટલાંમાં ભંડારી દઈ, નીંભાડો તો સળગાવ્યો છે.

મા તો ઘેર વાટ જોઈ રહી છે. દીકરો હમણાં આવશે ! હમણાં આવશે ! પણ દીકરો તો આવતો નથી. નાનકડું ગામ હતું તે મા ઘરે ઘર જોઈ વળી છે. નદી, પાદર અને વાવ કૂવા પણ તપાસ્યાં છે. તોય દીકરો ક્યાંય જડતો નથી.

"હશે જીવ ! જેણે દીધો'તો એણે જ પાછો લીધો હશે. મારે તો ક્યાં કાંઈ હતું જ તે ! હશે !"