પૃષ્ઠ:Kankavati.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાઈને તો હેત આવ્યું છે. દીકરાને તેડી લીધો છે, એની છાતીએથી તો ધાવણની શેડ વછૂટી છે. દીકરો તો માને ધાવવા માંડ્યો છે.

મા પૂછે છે કે, “ભાઈ રે ભાઈ, તું ક્યાં ગ્યો’ તો ?”

“મા, મા, હું તો માં’દેવજીનાં ખોળામાં બેસીને લાડવો ખાતો’તો.”

માને તો હરખનાં આંસુડાં માતા નથી. રાજાએ તો રાંડ શોક્યનાં નાક, ચોટલો કાપી, માથે ચૂનો ચોપડી, અવળે ગધેડે બેસાડી, ગામ બહાર કાઢી મૂકી છે.

મો’લમાં જઈને રાજા રાણીને કહે છે કે “અરેરે રાણિયું, તમે તે શું વ્રત કરશો ? વ્રત તો કર્યાં ઓલી કુંભારણે, તે બળતા નીંભાડામાંથી રમતો જમતો દીકરો બહાર નીકળ્યો.”

રાણીઓ કહે, “ચાલો ચાલો, એનાં વ્રત વધાવવા જઈએ.”

રાણીઓએ તો વાજાં ને ગાજાં લીધા છે. સોળ સાહેલીઓનો સાથ લીધો છે. મોતીનો થાળ ભરીને કુંભારણનાં વ્રત વધાવવા જાય છે.

વાજાં સાંભળીને દીકરો માને પૂછે છે કે” મા મા, આ વાજાં ક્યાં વાગે છે ? ચાલ આપણે જોવા જઈએ.”

મા તો દીકરાને તેડીને વાજાં જોવા જાય છે. રાણીઓને પૂછે છે કે “આ બધું શું છે ?”

રાણીઓ કહે, “કુંભારણના વ્રત વધાવવા જઈએ છીએ.”

“અરે માતાજી, મારાં વ્રત તે શું વધાવશો? વધાવો ભોળા માં’દેવજીને, જેણે સહુ સારાં વાનાં કર્યાં.”

માં’દેવજી એને ત્રુઠમાન થયા એવા સહુને થાજો !


વનડિયાની વાર્તા


[શીતળા સાતમને દિવસે સહુ કથાઓને અંતે કહેવાય છે.]

સાત ભાઈ વચાળે એક જ બેન. બેન તો અખંડ કુંવારકા છે. પુરુષ નામે દાણો ન જમે. પુરુષની વાત મંડાય તો હાલતી થાય.

સાતેય ભોજાઈઓને બેનની પથારી ઉપાડવાના વારા છે. સાતેય ભોજાઈઓ નણંદને માથે તો ભરી ખેધે બળે છે.

એમાં એક સમે તો એવું બન્યું કે ભોજાઈ પથારી ઉપાડવા જાય ત્યાં તો પથારીમાં અબીલગલાલ મહેકી રહ્યાં છે ! ફુલેલ તેલ ધમકી રહ્યાં છે ! ભીંતે તો તંબોળની પિચકારીઓ છંટાઈ ગઈ છે !