પૃષ્ઠ:Kankavati.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજે દી બીજી જાય તો એને ય અબીલગલાલ ને ફુલેલ તેલ ધમક્યાં છે. એણેય ભીંતે તંબોળના છાંટા ભાળ્યા છે.

ત્રીજે દી ત્રીજીને નણંદના ઓછાડમાં અબીલગલાલની ફોરમો આવી છે !

સાતેય મળીને મંડી વાતો કરવા. અરરર માડી ! એના ભાઈયુંને મન તો બેન મોટી સતી ! જો જો સતી નો જોઈ હોય તો ! ભાઈયું ને કાંઈ પડારો ! અને બેનબા તો રંગભીનાં થઈને રાત માણતાં લાગે છે.

નગરીમાં એક દેરું ચણાય છે. દેરાને માથે સોનાનું ઇંડું ચડાવવું છે. પણ ઇંડું તો ખરી સતી હોય એનાથી જ ચડે.

રાજાની રાણીઓ આવી. એનાથી યે ઇંડું ચડતું નથી. રાણીઓમાં યે પૂરાં સત ન મળે.

રાજાએ તો ડાંડી પીટાવી છે. કે કોઈ ઇંડું ચડાવે ! કોઈ એવી સતી ! કોઈ કરતાં કોઈનાં એવાં ઊજળાં શીલ ! શું ધરતી નરાતાળ ગઈ !

હેકડાઠઠ દરબાર ભરાયો છે, બીડદાર બીડું ફેરવે છે. કોઈ દેરાનું ઇંડું ચડાવે ?

"ઇ ઇંડું મારી બેન ચડાવશે. લાવો બીડું."

એમ બોલીને બેનના ભાઈએ તો કચારીનું બીડું ઝડપ્યું છે. બેનને બોલાવવા ભાઈ તો ઘેર ગયો છે.

સાતેય ભોજાઈઓ તો માહોમાંહે તાળીઓ દે છે. ખડખડાટ હસે છે. બોલે છે કે "આજે બધોય પડારો ઉતરી જાશે. આજ ઈ રાંડ સતીનાં કૂડ ઉઘાડાં પડશે."

ભાઈ તો બેનને લઈને દેરે ગયો છે. ગામ આખું જોવા હલક્યું છે.

બામણ બોલ્યો : "હે ભાઈ, આ કાચા સુતરના તાંતણા છે, એ બાંધી છે આ ચાળણી. જો તું સાચી સતી હો તો ઈ ચાળણીએ વાવમાંથી પાણી સીંચાશે. તું સતી નહિ હો તો નહિ સીંચાય."

બેને તો કાચા સૂતરને તાંતણે બાંધેલી ચાળણી લીધી છે. ચાળણી તો એણે વાવમાં ઉતારી છે. એમાં પાણી ભરીને ખેંચે છે. છલોછલ ભરાઈને પાણી તો બહાર આવ્યું છે.

"લે બાઈ, હવે આ ઇંડું દેરાને માથે ચડાવી દે. તું સતી હો તો ચડશે. નહિ તો નહિ ચડે."

બેને તો ઇંડાંની દોરી તાણી છે. ઇંડું તો ચડી ગયું છે. પણ ઇંડું થોડુંક વાંકું રહ્યું છે.

"ઈંડું વાંકું ! ઈંડું વાંકું ! બાઈના સતમાં એબ ! બાઈના સતમાં એબ !" એમ સહુએ રીડિયા પાડ્યા છે.

સૂરજ સામે હાથ જોડીને બેન તો બોલી છે, કે "હે ભગવાન ! હું નાની હતી તે દી મેં એક વાછડો તેડ્યો'તો. વાછડો મૂતર્યો'તો ને મારે માથે છાંટા પડ્યા'તા તે વતરક હું કોઈ પુરૂષને અડી હોઉં તો આ ઇંડું ચડશો મા. નીકર ચડી જાજો !"