પૃષ્ઠ:Kankavati.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ કહીને બેને તો ટચલી આંગળી અડાડી છે. સડાક દેતું ઈંડું તો સીધું થઈ ગયું છે.

"સતીની જે ! સતીની જે !" એમ સૌ મનખ્યો કહેવા મંડ્યાં છે.

ભાઈ-બેન ઊજમભર્યાં ઘેર આવ્યાં છે. પણ ભોજાઈઓનો ખાર તો માતો નથી. ભોજાઈઓએ તો ભાઈના કાન ભંભેર્યા છે : "જરાક જુઓ તો ખરા તમારી સતી બેનનાં કામાં ! એની પથારીમાં તો રોજ અબીલગુલાલ વેરાય છે."

ભાઈએ તો બેનની પથારી જોઈ છે. એને તો અબીલગુલાલની ધમક આવી છે. ભીંતે તો તંબોળની પીચકારી દીઠી છે. ભાળીને ભાઈ તો વિસમે થયો છે.

રાત પડી છે. ભાઈ તો બેનની પથારી આગળ તરવાર લઈને ઊભો છે. બેન તો ભરનીદરમાં પડી છે. આખે ડિલે એણે તો ઓઢેલું છે.

જ્યારે મધરાત થઈ ત્યાં તો ખાળમાંથી ભમરો નીકળ્યો છે. ભમરે માનવીનું રુપ લીધું છે. એ તો બેનની પથારીમાં અબીલગુલાલ છાંટે છે, ફુલેલ તેલ ઢોળે છે, ભીતે તંબોળની પિચકારી છાંટે છે. છાંટીને છાનોમાનો ચાલતો થાય છે.

ત્યાં તો તરવાર લઈને ભાઈ દોડ્યા છે. "ઊભો રે'જે પાપિયા ! બોલ, તું કોણ છો ! નીકર તારા કટકા કરી નાખું."

હાથ જોડીને વનડિયો (ભમરો) બોલ્યો :

"હું વનડિયો દેવતા છું. તારી બેન મારી વાર્તા સાંભળતી નથી. મારી વાર્તા મડાય ત્યાં એ ઊઠીને હાલતી થાય છે. તેથી એને માથે આવાં આળ ચડાવું છું. પણ હવે મને છોડી દે. હવે હું કોઇ દી નહિ આવું."

"હવે જો કોઈ દી આવ્યો છો ને, પાપિયા, તો હું તારો પ્રાણ કાઢી લઈશ."

હાથ જોડીને વનડિયો તો ચાલ્યો ગયો છે. પાછો કોઈ દી આવ્યો નથી. બેનના તો આળ ઊતરી ગયાં છે.

વનડિયાં, તું વનડીશ મા !
ભાઈની બેનને કનડીશ મા !
કૂડાં કલંક ચડાવીશ મા !